મોરબી જિલ્લામાં વીજળી પાડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ મોરબીના માળીયા (મીં.) ખાતે એક બાળક પર વીજળી પડતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ સાંજના પાંચેક વાગ્યા આસપાસ માળીયા (મીં.) સુરજબારી પુલ પાસે આઝાદ સોલ્ટ નામના મીઠાના કારખાનાની ઓરડી પાસે રોહીત સુખાભાઈ પાટડીયા નામનો ૧૩ વર્ષીય બાળક રમતો હતો. જે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો અને અચાનક બાળક પર ભયંકર વીજળી પડતા બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું એક દિવસની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જે અંગે ડો. જી.એલ. કાલરીયા દ્વારા માળીયા (મીં.) પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો.