મોરબીમાં સામાન્ય બાબતે માથાકૂટ થવી તો હવે સામાન્ય બન્યું છે. પરંતુ આવી સામાન્ય બાબતનો જ ઘણીવાર મોટું સ્વરૂપ ધારણ કરી લ્યે છે. ત્યારે આવું જ કંઈક મોરબીના જશાપર ગામે બન્યું છે, કે જ્યાં ટ્રેક્ટર રાખવા જેવી નજીવી બાબતે એક આધેડને માર મારવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના માળીયા મીં તાલુકાનાં જશાપર ગામે રહેતા સુરેશ હરીભાઇ ડાંગર નામના 60 વર્ષીય આધેડે પોતાના ઘરની બાજુમાં તેનું ટ્રેકટર રાખ્યું હતું. જે મનવીર સવાભાઇ કાનગડ નામના શખ્સને ન ગમતા તે સુરેશભાઈના ઘરે પહોંચ્યો હતો. અને ત્યાં ટ્રેકટર રાખવા જેવી નજીવી બાબતે માથાકૂટ કરી હતી અને ઘટનાનું મનદુઃખ રાખી મનવીર સવાભાઇ કાનગડ અને સવા ભૂરાભાઇ કાનગડે સુરેશભાઈને જેમ તેમ ગાળો આપી અપશબ્દો બોલી સરીયા વડે માર માર્યો હતો. જેમાં સરીયાનો હાથો ફરિયાદે માથાના ભાગે વાગી જતા તેને ત્યાં ત્રણ ટાંકા આવ્યા હતા, તેમજ આરોપીઓએ સુરેશભાઇને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે સમગ્ર મામલે સુરેશભાઇ દ્વારા માળીયા મીં. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.