મોરબી જિલ્લામાં ચાલુ સીઝનમાં 150% જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકશાન થયું છે. જેને લઈ ગામ લોકો દ્વારા ગામનાં સરપંચોને રજૂઆત કરાવામાં આવતા વિવિધ ગામોના સરપંચોએ અધિકારીઓને લેખિત રજૂઆતો કરી છે. ત્યારેમાળિયા (મીં) તાલુકાનાં ગ્રામપંચાયતોના સરપંચો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને NDRF અથવા SDRF જોગવાઇ મુજબ સહાય આપવા મોરબી જિલ્લા કલેકટર તેમજ માળીયા મામલતદાર મારફતે મુખ્યમંત્રી ને પત્ર પાઠવી માંગ કરી છે.
ગ્રામપંચાયતોનાં સરપંચો દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, માળિયા (મીં) તાલુકામાં ચાલુ વર્ષે ખુબજ બહોળો વરસાદ એટલે કે સીઝનનો અત્યાર સુધીનો આશરે ૧૫૦% જેટલો વરસાદ ખાબકી ગયો છે. તેમજ સરકાર દ્વારા પહેલા જે સરકારી વિમા કંપનીઓ કાર્યરત હતી ત્યારે ખેડૂતો પોતાના ધિરાણની સાથે વિમા પ્રિમીયમ ભરતા હતા. જેમાં અતિવૃષ્ટિ તેમજ દુષ્કાળ જેવા મામલામાં તેઓને વિમો મળતો હતો. જેના થકી તેઓને થોડી આર્થિક રાહત મળતી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, જુદા-જુદા વિસ્તારની જમીનના પ્રકાર, ગુણવતા, લાક્ષણિકતા અલગ અલગ હોય છે. તે મુજબ માળિયા (મી) તાલુકાનાં ઘણા ગામોની જમીનમાં ભુગર્ભ જળ તો છે. પરંતુ દરિયો નજીક હોવાથી ખુબ જ ક્ષારયુકત પાણી હોય છે. જેનાથી સિંચાઇ થઇ શકે જ નહીં. તેમજ થોડો પણ વધારે વરસાદ થાય તો જમીન પાણીને સંગ્રહી શકે નહી. ખેતરોમાં પાણી ભરેલા જ રહે અથવા તો ખેતરમાં ના જઇ શકાય તેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. જેથી વાવેલા પાક માટે ખેતરમાં જવું શકય ના બને કે નવો પાક વાવવો પણ શકય ના બને અને અંતે ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે જેથી તાત્કાલિક સર્વે કરી સહાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.