મોરબી જિલ્લામાં જાણે મેઘરાજા ખમૈયા કરવાનું નામ ન લેતા હોય તેમ શનિવારથી મેઘરાજાએ તેની તોફાની ઇનિંગ શરુ કરી છે જેના કારણે સમગ્ર મોરબી જિલ્લો જળમગ્ન થઇ ગયો છે. જેના પગલે મોરબી જિલ્લામાં હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમજ 90 ટકાથી વધુ ખેતરમાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. મોરબી અને માળિયા પંથકના ગામડાની સ્થિતિ અત્યંત દયનીય બની છે. જો કે, ખેતીવાડી અધિકારીએ સર્વેનો હુકમ જારી કરતા ભાજપ અગ્રણીઓ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો.
મોરબી તાલુકા તથા માળીયા તાલુકા તેમજ આમરણ ચોવીસીમાં થયેલ અતિવૃષ્ટી અને પાકની નુકસાની બાબતમાં મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદ વાંસદડીયા, માળીયા તાલુકા ભાજપના પ્રમુખ મણીલાલ સરડવા, આમરણ તાલુકા પંચાયત સીટના સદસ્ય જાગૃતિબેન યોગેશભાઈ વાડીયા તેમજ આમરણ ચોવીસીના ભાજપના અગ્રણી સુરેશભાઈ કાસુન્દ્રા તથા હસમુખભાઈ ગામી દ્વારા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળી મોરબી-માળીયા તાલુકા તથા આમરણ ચોવીસીમાં થયેલ અતિવૃષ્ટી અને પાકને નુકસાની બાબત રજુઆતો કરેલ હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તાલુકા ભાજપના અગ્રણીઓની રજુઆતના પગલે આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા પણ આમરણ ચોવીસી વિસ્તારની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જે બાદ ખેતિવાડી નિયામક દ્વારા જીલ્લા વિકાસ અધીકારીને પત્ર લખી આ બાબતમાં ઘટતી કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. પરંતુ વરસાદની આગાહી અને ચાલુ વરસાદમાં સર્વે કરવાનું શકય ન હોવાથી વરસાદી વાતાવરણ ઓછું થાય ત્યારબાદ સર્વે કરવાનું જીલ્લા ખેતીવાડી અધિકારીએ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને મૌખિક રીતે જણાવેલ હતું. જેના અનુસંધાને થોડા દિવસ પહેલા ખેતીવાડી અધિકારીએ સર્વેનો હુકમ જારી કર્યો છે. જેને લઇ ભાજપ આગેવાનોએ તમામનો આભાર માન્યો છે. જો કે, સંપુર્ણ કામગીરીમાં જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની સક્રિય ભૂમિકા હોવા છતાં કેટલાક લોકો દ્વારા લીંબડ જસ ખાટવાનો પ્રયત્ન કરી ખેડુતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોવાથી આની નોંધ લેવા ખેડુતોને ભાજપ અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.