રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂ-માફિયો પચાવી ન પાડે તેવા હેતુથી આવા જમીન પચાવી પાડનાારા તત્વો-ભૂ-માફિયાઓની સાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીવાનપરામાં રહેતા ભરતભાઇ કાનજીભાઇ સુરેલા નામના 56 વર્ષીય આધેડની વરડુસરમાં ૫ વીધા જેટલી જમીન આવેલ છે. જેને મગન ખોડાભાઇ સેટાણીયા, રૂપાબેન મગનભાઇ સેટાણીયા અને મનસુખ મગનભાઇ સેટાણીયા નામના ત્રણ લોકો દ્વારા પચાવી પાડવાના આશયથી જમીન પર ગેરકાયદેશર રીતે કબ્જો કરી વાવેતર કરી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરવામાં આવતું હતું. જે અંગે જાણ થતા જ જમીન માલિક ભરતભાઇ સુરેલા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.