મોરબીમાં મોતના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેવામાં ગઈકાલે મોરબીમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અકાળે મોતનાં વધુ ત્રણ બનાવો નોંધાયા છે. જેમાં એક આધેડે ઝહેરી દવા પી મોતને વહાલું કર્યું છે. તો અન્ય એક બનાવમાં યુવક માથે દીવાલ પડતા મોત થયું છે. જયારે ત્રીજા બનાવમાં એક યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના દિવાનપરા ગામમાં રહેતા સુનિલભાઇ મનુભાઇ દેત્રોજા નામનો 22 વર્ષીય શખ્સ ગત તા.22 સપ્ટેમ્બરે કોટડાનાયાણી ગામે એહમદભાઇ હુશેનભાઇ કાતીયારના મકાનમાં કળીયા કામ કરતો હતો. અને તે દિવસે મકાનની દિવાલનાં લિન્ટર ઉપર કામ કરતી વખતે દિવાલ ઉપરથી અકસ્માતે પડી જતા યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
જયારે અન્ય બનાવમાં રંગપર ગામનો રહેવાસી 19 વર્ષીય સુનિલભાઇ રમેશભાઇ મેળા કે જે મજૂરી કામ કરે છે. તે ગત 22 સપ્ટેમ્બરે એપ્રિકોન સીરામીક કારખાનાના ડસ્ટ કલેકટની સીડીથી ડસ્ટ કલેક્ટની ટાકી ઉપર રાત્રિના સમયે ચડ્યો હતો. ત્યારે તેની ટાકી ઉપરથી અક્સમાતે પગ લપસી જતા નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું છે.
જ્યારે ત્રીજા બનાવમાં મોરબી જિલ્લાના ખાખરાળામાં રહેતા સોમાભાઇ પ્રભુભાઇ કુરીયા નામના 42 વર્ષીય આધેડે ગઈકાલે ખેવારીયાના માર્ગે ખાખરાળા ગામની સીમમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ થતા જ તેને તાત્કાલિક બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પીટમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડો. કે.કે.મીયાત્રાએ તેમની તપાસ કરી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.