સાંસદ વિનોદભાઈ ચાવડા, કાંતિલાલ અમૃતિયા, સીરામીક અગ્રણી નિલેશભાઈ જેતપરિયા સહિતનાએ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી યંગ ઇન્ડિયા ગ્રુપની સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી:રાજકીય મહાનુભાવો, ઉધોગ અગ્રણી અને સામાજિક તેમજ સંસ્થાકીય આગેવાનોનું યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ સન્માન કરાયું
મોરબી : મોરબીમાં શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાઈને સામાજિક કાર્યો થકી દેશભાવનાને સતત ઉજાગર કરવા માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમા ગઈકાલે દુર્ગાઅષ્ટમી એટલે આઠમા નોરતે આઠમની મહાઆરતી દિવ્યાંગ બાળકો અને તેના માતા-પિતાને હસ્તે કરાવીને માતાજી આ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકોની જેમ તેમના મનગમતા ક્ષેત્રેમાં આગળ વધવાની શક્તિ આપે અને સામાન્ય બાળક પણ જે કાર્ય ન કરી શકે તેવું કાર્ય કરવા માટે દિવ્યાંગ બાળકોને શક્તિ સામાર્થ્યવાન બનાવે તેવી જગત જનની જગદંબાને પ્રાર્થના કરાઈ હતી.
તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી સાથે છેલ્લા 14 વર્ષથી માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જગાવતા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આ વખતે નવી જગ્યા લીલાપર- કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલ દરરોજ નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રે આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો કર્ણપ્રીય સુર અને સંગીતના સથવારે મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરરોજ રાત પડેને દિવસ ઉગે તો યુવાનો માટે માહોલ સર્જાય છે. આધુનિક મ્યુઝિક સિસ્ટમ અને નામાંકિત કલાકારોના ગીત સંગીતના કર્ણપ્રિય તાલે મોટી સંખ્યા યુવક યુવતીઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, હવે નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણોમાં પહોંચ્યો છે. છતાં ખૈલૈયાઓમાં જરાય થાકનો અણસાર દેખાતો નથી. એટલો ઉત્સાહ છે. દરેક સમાજની નાની મોટી દીકરીઓ માટે ફ્રી એન્ટ્રી હોવાથી સોરષ્ટના પ્રખ્યાત કલાકારોના કર્ણપ્રિય સુર સંગીતના તાલે મોટી સંખ્યામાં બહેનો દરરોજ મુક્તપણે વાતાવરણમાં મન મુકીને રાસ ગરબે ઝૂમી રહી છે.
દેવેનભાઈએ વિશેષમાં જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે, દરેક કાર્યમાં બીજાને ખરા દિલથી ખુશી આપીને પોતે ખુશી અનુભવી. મા આદ્યશક્તિ ભક્તિના આ શુભ કાર્યમાં જે સમાજથી ઉપેક્ષા અને કુદરતી ઉણપનો શિકાર બનેલા છે તે દિવ્યાંગ બાળકોની માતાજી મનોશક્તિ મજબૂત બનાવે તેવા હેતુથી ગઈકાલે આઠમના પ્રવિત્ર દિવસે દિવ્યાંગ બાળકો અને તેમના માતા-પિતાને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં માનભેર આમંત્રિત કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકોની હાજરી તેમજ દરેક ક્ષેત્રેના મહાનુભાવોની વચ્ચે યંગ ઇન્ડિયા ગ્રુપની આગવી પરંપરા મુજબ દિવ્યાંગ બાળકો અને તેમના માતા-પિતાને આઠમની મહાઆરતીનો લાભ અપાયો હતો. દિવ્યાંગ બાળકો અને તેના માતાપિતાના હસ્તે આઠમની મહાઆરતી કરાવીને માતાજી આ બાળકોને પણ સામાન્ય બાળકો જેવી શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કોઈ મહાનુભાવોને બદલે પોતાના હસ્તે આઠમની દિવ્ય મહાઆરતીનો લાભ લઈને દિવ્યાંગ બાળકો અને તેમના માતાપિતા ગદગદીત થઈ ગયા હતા.
આઠમના નોરતે સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભરતભાઇ જારીયા, સીરામીક અગ્રણી નિલેશભાઈ જેતપરિયા, માતૃવંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, કાંતિકારી સેનાના રાધે પટેલ, ડો.સનારિયા, ડો. માલાસણા, ડો. ગોપાણી અને ડૉ. હિતેશ પટેલ સહિતનાએ હાજરી આપી યંગ ઇન્ડિયા ગ્રુપથી સમાજ જાગૃતિથી દેશભાવના મજબૂત બનાવવા માટે અવિરતપણે થતા તમામ સારા કાર્યોને બિરદાવી સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમને અભિનંદન આપ્યા હતા. આ દરેક મહાનુભાવોનું યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને મોરબી અપડેટના સુપ્રિમો દિલીપભાઈ બરાસરાએ સન્માન કર્યું હતું.