મોરબી માળીયા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પંચ દ્વારા નવતર પહેલ કરી માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત પાંચ સખી મતદાન મથકો ઊભા કરાયા હતા. જેમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ આરોગ્ય અને પોલીસના વિભાગોની મહિલા કર્મચારીઓ મહિલા સશકિતકરણને સાર્થક કરતા જોવા મળી રહયા છે.
મોરબી-માળીયા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા સમગ્ર મતવિસ્તારમાં પાંચ જેટલા સખી મતદાન મથક બનાવવામાં આવ્યા હતા. જેમાં મોરબીના નિર્મલ વિદ્યાલય, ઓમ શાંતિ વિદ્યાલય, જે.એ. પટેલ આર્ટસ કોલેજ, સરદાર પટેલ કન્યા વિદ્યાલય, વિવેકાનંદ કન્યા વિદ્યાલય મતદાન મથકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પાંચેય આદર્શ મતદાન મથક મોરબી ખાતે શિક્ષણ અને આંગણવાડીની મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ કામગીરી કરી રહયા હતા.
સખી મતદાન મથકના પ્રિસાઈડીંગ ઓફીસર વનિતાબેન કગથરાએ આ કામગીરીને વધાવી ચૂંટણીની કામગીરીનો આનંદ વ્યકત કર્યો હતો. આ સાથે જ મહિલાઓ પણ તમામ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્ય કરી શકે છે તેમ સાબિત કરી બતાવવાની તક મળી હોવાનું પણ ગર્વભેર જણાવ્યું હતું.