ગત તા.૩૦/૧૦ ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને આ ગોઝારી દુર્ઘટનામાં તેમાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પી. એ.દેકાવડિયા દ્વારા ફરીયાદી બનીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં મેનેજર અને કર્મચારીઓ સહિત નવ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ત્યારે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં અત્યાર સુધી મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા સરકાર તરફે કામગીરી કરવામાં આવી રહી હતી જેમાં ગઇકાલે રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાને સ્પેશિયલ પી.પી.તરીકે નિમણૂક અપાઈ છે. ૧૩૫ લોકોના જે ઘટનામાં મૃત્યુ થયા છે તેવી ગંભીર ઘટનામાં હવે કોર્ટમાં તમામ કાર્યવાહી સ્પેશિયલ પી.પી.મારફતે કરવામાં આવશે. ત્યારે સ્પેશિયલ પી.પી.ની નિમણૂક અંગેની વિગતો મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા જાહેર કરાઈ છે.
અત્રે નોંધનીય છે કે આ કેસમાં ઝડપાયેલ તમામ નવ આરોપીઓએ જામીન માટે અરજી પણ કરેલ હતી પરંતુ જિલ્લા સરકારી વકીલ ની ધારદાર દલીલો ને ધ્યાન માં રાખીને એક પણ આરોપી ને જામીન આપવામાં આવ્યા નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે ને અનેક કેસો લડનાર અને અનુભવી એવા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની કાયદાથી અજાણ હતા ? જેમાં કાયદા વિભાગ દ્વારા આયાતી સ્પેશિયલ સરકારી વકીલની નિમણુક કરવામાં આવી છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે.