અશ્લીલતાનું વરવું પ્રદર્શન રજૂ કરતી’બેશર્મ રંગ ગીત’ વાળી ફિલ્મ ‘પઠાણ’ને રિલીઝ થતી અટકાવવા તથા સોશિયલ મીડિયા સહિત પ્રત્યેક પ્લેટફોર્મ પર, ફિલ્મ કે તેના દ્રશ્યો દર્શાવવા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો.
આગામી ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ યશરાજ ફિલ્મસ્ ની ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ થનાર છે. સૉશિયલ મીડિયા તથા અન્ય માધ્યમથી પ્રસારિત થયેલ ટીઝર તથા ફિલ્મી ગીતના દ્રશ્યો જોતા તેમાં દર્શાવવામાં આવેલ અશ્લીલતાથી ભરપૂર દ્રશ્યો, સમાજના પ્રત્યેક વર્ગની લાગણી દુભાય તે રંગના કોસ્ચ્યુમ તેમજ અન્ય બાબતો સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના બાલમાનસ તથા સમાજ પર અત્યંત ખરાબ અસર ઊભી કરે છે.
ભારતીય સંસ્કૃતિ અનુસાર ભરતમુનિ નાટ્ય શાસ્ત્રના રચયિતા છે. વિવિધ રંગ તથા નવ રસ દ્વારા મનોરંજન તે આપણી સાંસ્કૃતિક ઓળખ છે. સકારાત્મકતા ફેલાવતા રંગ તથા રસને પ્રાધાન્ય આપી સંસ્કૃતિનુ જતન કરવાનું કાર્ય ફિલ્મ નિર્માતાઓનું છે. નાટ્યશાસ્ત્રમાં હાસ્યરસ આનંદ, કરુણ રસ શોક, રૌદ્ર રસ ક્રોધ,વીર રસ ઉત્સાહ, ભયાનક રસ ભય, શૃંગાર રસ સૌંદર્યની અનુભૂતિ, અદભુત રસ આશ્ચર્ય, શાંત રસ નિર્વેદ તેમજ બિભત્સ રસ ધ્રુણા તથા જુગુપ્સા ફેલાવે છે.
આપણે સૌ એ બાબતથી સુપરિચિત છીએ કે ભારત સરકાર ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦’ અમલમાં લાવીને શિક્ષણના સમન્વય દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો નિર્ધાર ધરાવે છે. ઉચ્ચ શ્રેણીના લેખક, ફિલ્મ નિર્માતા, સામાજિક સંસ્થા, શિક્ષણ સંસ્થા તથા શિક્ષકસમાજ જ્યારે વિવિધ પ્રકારના માધ્યમથી સંસ્કાર સિંચન માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ સમયે સાર્વત્રિક વિરોધ થતી આ ફિલ્મમાં મૂલ્ય નિષ્ઠ બાબતોનો છેદ ઉડાડી ફક્ત અષ્લિલતા, હિંસા તથા અવાસ્તવિક દ્રશ્યો બતાવી સમાજના પ્રત્યેક વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. જે સમાજ માટે ઘાતક છે. સરકાર તથા સામાજિક સંસ્થાની વર્ષોની મહેનત પર આવી ફિલ્મ કઠુરાઘાત કરી સંસ્કાર સિંચનને અટકાવે છે. નિમ્નકક્ષાની આવી ફિલ્મનું નિર્માણ કરતા ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર તથા કલાકારોની ફિલ્મ પર સદંતર પ્રતિબંધ મૂકી કડક સંદેશ આપવાનો આ યોગ્ય સમય છે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્રીય સંસ્કૃતિ તથા વિદ્યાર્થી હિતમાં થિયેટર, મીની થિયેટર, સૉશિયલ મીડિયા તથા અન્ય તમામ પ્રકારના માધ્યમો પરથી આ ફિલ્મ તથા ફિલ્મના અંશ દર્શાવવા પર પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માગણી કરે છે. તદ ઉપરાંત આવી ફિલ્મ બનાવનારા સૌ સામે સામાજિક જવાબદારી નિભાવવાની નિષ્ફળતા બદલ નોટીસ આપી ખુલાસો કરવા તથા ભવિષ્યમાં આવી હરકત ન કરે તે અંગે બાંહેધરી લેવા માંગ કરેલ છે