મોરબીમાં બે બાઈક સામસામે અથડાયા બાદ ઉગ્ર બોલાચાલી થતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.જેમાં બાઈક ચાલકો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી.આ બનાબ અંગે બન્ને બાઈક ચાલકોએ એકબીજા ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામસામી ફરિયાદ બી ડિવિજન પોલીસ મથકે નોંધાવી છે. બી ડિવિજન પોલીસે આ બનાવ અંગે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગૌતમભાઇ ભાવેશભાઇ પરમાર (ઉ.વ. ૧૯) એ આરોપીઓ કીરીટભાઇ ધનજીભાઇ પરમાર, રમેશભાઇ ટાભાભાઇ પરમાર, હરેશભાઇ ભુરાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે , ગઈકાલે તા.૫ ના રોજ ઇન્દિરાનગરમાં ધીરૂભાઇની દુકાન સામે ફરીયાદી પોતાનુ બાઈક લઇને જતા હતા તે વખતે એક આરોપીએ સામે મોટરસાઇકલ ભટકાડી ફરીયાદીને મોટરસાઇકલ કેમ ભટકાડીયુ તેમ કહી આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાઈક ચાલક યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા બી ડિવિજન પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.