મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રેલ્વે સ્ટેશન રોડ સરકારી આવાસ યોજનાના કવાટર પાસે જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમાઈ રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વાંકાનેર મીલનપાર્ક રેલ્વેસ્ટેશન રોડ પર રહેતા ક્રિપાલસિંહ બાબુભા જાડેજા તથા વાંકાનેર મીલપ્લોટ ડબલચાલી સ્ટેશન રોડ પર રહેતા પ્રકાશ કરશનભાઇ ગોરીયા મિલન તથા કલ્યાણ બજારના વરલી ફીચરના આંકડાઓ લખી સરકારી આવાસ યોજના બ્લોક નં. E કવાટર્સ નંબર-૬ રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઇ ભટ્ટીને પાસે કપાત કરાવી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી મળી આવતા પોલીસે તમામની અટકાયત કરી વર્લીફીચરના સાધનો મળી કુલ રૂ.૩૪,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.