મોરબીમાં દ્વિચક્રીય વાહન ચોરતી ટોળકીને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો જ ન હોય તેમ એક બાદ એક દ્વિચક્રીય વાહનોનો ચોરી કરી રહી છે. જેને લઈ પોલીસ પણ એલર્ટ થઈ છે અને આવા ચોરોને દબોચી રહી છે. તેમ છતાં ચોર ઈસમો જાણે સુધારવાનું નામ જ ન લઈ રહ્યા હોય તેમ એક બાદ એક ગુનાઓ આચરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં બે મોટર સાઇકલ ચોરીના ગુનાઓ નોંધાતા મોરબી જિલ્લા પોલીસે કાર્યવાહી આરંભી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર ગામના ઝાપા પાસે આવેલ યોગીરાજ એપાર્ટ મેન્ટ બ્લોક નં.૬૦૩માં રહેતા હાર્દીકભાઇ જયસુખભાઇ લાડાણી નામના મંડપ સર્વિસના ધંધાર્થી પોતાનું GJ-36-E-0959 નંબરનું MD2A55FZ8GCD24232 ચેસીસ નંબર વાળું પોતાનું બજાજ પલ્સર મોટર સાયકલ તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ પાર્ક કરી બહાર ગયા હતા. જ્યાથી તા.૧૦/૧૨/૨૦૨૨ ના રોજ પરત ફરી જોતા પોતાનું વાહન સ્થળ પર ન માતા આસપાસના વિસ્તારોમાં જાત તપાસ કરી છતાં વાહન ન મળતા આખરે તેઓએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જયારે અન્ય બનાવમાં વાંકાનેરના ગુલશન પાર્ક ચંન્દ્રપુરમાં રહેતા અયુબભાઇ અમીભાઇ ચૌધરી નામના વેલ્ડીંગના ધંધાર્થી ગત તા.૦૫/૦૧/૨૦૨૩ ના રોજ પોતાની GJ-03-EG-1334 નંબરનું હીરો હોન્ડા સ્પેલન્ડર પ્લસ મોટર સાઇકલ ગુલશન પાર્ક મેઇન રોડ ઉપર ચૌધરી ટેઇલસ ની બાજુમાં તાજ ટેઇલસ નામના કારખાનાના સામે પાર્ક કરી જતા રહેલ જે બાદ પરત આવી જોતા પોતાનું વાહન ત્યાં હાજર મળી ન આવતા કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા તેઓએ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.