ટંકારા પોલીસ સ્ટેશનની ટીમે ગઈકાલે બાતમીના આધારે ટંકારાનાં સરાયા ગામે આવેલ બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને પોતાના પેન્ટના નેફામાં રાખેલ દેશી બનાવટની મેગ્જીન વાળી પીસ્તોલ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, ટંકારાનાં સરાયા ગામે આવેલ બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ પોતાના પેન્ટના નેફામાં દેશી બનાવટની મેગ્જીન વાળી પીસ્તોલ રાખી ફરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી રાજકોટ દેવપરા મેઇન રોડ, નિલકંઠ પાર્કની બાજુમાં ખ્વાઝા એપાર્ટમેન્ટ સામે રહેતા ફીરોઝભાઇ હાસમભાઇ મેણુ નામના શખ્સને પોતાના પેન્ટના નેફામાં ગેર કાયદેસર રીતે વગર લાયસન્સે દેશી બનાવટની રૂ.૧૦,૦૦૦/-ની કિંમતની મેગ્જીન વાળી પીસ્તોલ તથા રૂ.૪૦૦/-ની કિંમતના ૦૪ જીવતા કાર્ટીસ તથા રૂ. ૫૦૦/-ની કિંમતની એક ખાલી મેગ્જીન તથા રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨૧,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. અને આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે આર્મ્સન એકટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.