રાજ્યમાંથી વ્યાજખોરોના ત્રાસ પર અંકુશ મેળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્ય વ્યાપી ડ્રાઇવ ચલાવવામાં આવી છે. 31મી જાન્યુઆરી સુધી ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં અનેક જગ્યાએ લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વ્યાજખોરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે અત્યારસુધીમાં મોરબી જિલ્લાવાસીઓ માટે મોરબી પોલીસ દ્વારા લોન દરબારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે કે જેના મદદથી લોકો વ્યાજે પૈસા ન લઈ અને બન્કો પાસેથી લોન લ્યે તે આ લોન દરબારનો ખાસ ઉદ્દેશય છે.
મોરબી પોલીસ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આજ દિન સુધી કુલ 18 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. સરકારના વ્યાજના દુષણને દૂર કરવાના અભિગમને વધુને વધુ મજબૂત કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા અલગ-અલગ ગામો અને તાલુકામાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ જે લોકો ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરે છે અને તેમની પાસેથી લોકો નાણાં ઉછીના લ્યે છે. તેના બદલે ફાઇનાન્શ્યલ પેઢીઓ અને બેંકો પાસેથી નાણાં ઉછીના લ્યે તે સંદર્ભે હવે મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોન દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોન દરબારમાં ફાઇનાન્શ્યલ પેઢીઓ અને બેંકોના મેનેજર તથા કર્મચારીઓને બોલાવવામાં આવનાર છે. આ અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે 31 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં 1 ફેબ્રુઆરીએ તથા હળવદ પોલીસ મથકે 2 ફેબ્રુઆરીએ 12 વાગ્યે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોક મેળામાં લોન સંદર્ભે તમામ જાણકારી આપવામાં આવશે. તથા ફાઇનાન્શ્યલ પેઢીઓ અને બેંકોના મેનેજર તથા કર્મચારીઓ હાજર રહી સમસ્યા દૂર કરી પૂરતું માર્ગદર્શન અને તમામ મદદ પુરી પડશે.