અધિકારીએ સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું: ત્રણ સામે ફરિયાદ
હળવદ રેન્જની અભ્યારણ વિસ્તારમાં આડેસર રેન્જના વરણું રણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અમુક શખ્સો દ્વારા રણની અંદર બોરવેલ દ્વારા પાણી કાઢવાની પ્રક્રિયા કરતા હતા. જે પ્રવૃતિ અટકાવવા જતા ત્યાં ટોળું એકત્ર થઈ ગયું હતું. જેમાં સ્વ બચાવમાં અધિકારીએ એક રાઉન્ડ ફાયરિંગ કરી અને આજુબાજુની કચેરીને જાણ કરી આ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં રણમાંથી અભ્યારણના અધિકારીઓએ એક મોટર સાઈકલ, ટ્રેક્ટર, ટ્રોલી, સાયડા (બોરવેલ) નંગ-2, ટ્રેક્ટર-ટેન્કર સાથે કુલ રૂપિયા 18 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોને ઝડપી પાડી ત્રણેય સામે વન્ય પ્રાણી અધિનિયમ સરંક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘુડખર અભ્યારણ રણ વિસ્તારમાં આડેસર રેન્જના વરણું રણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં એસ.એસ.સારલા આરએફઓ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બોરવેલ દ્વારા અભ્યારણમાં પાણી કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી. જેથી કરીને અભ્યારણના અધિકારી દ્વારા બિનઅધિકૃત રીતે અભ્યારણમાં પ્રવેશ કરી અને મશીનરી દ્વારા બોરવેલ બનાવવાની કામગીરી કરતા હોય તેમજ ઘુડખર અભ્યારણમાં નુકસાન પહોંચાડતા શખ્સોને અટકાવ્યા હતા.
આ પ્રક્રિયા દરમિયાન માથાભારે શખ્સો દ્વારા અધિકારી સામે હુમલો કરવાની હિલચાલ કરવામાં આવી હતી. જ્યારે સ્વબચાવમાં અધિકારી દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરી પોતાનો અને તેમની ટીમનો સ્વબચાવ કર્યો હતો. આ કામગીરી બાદ આજુબાજુની કચેરીના અધિકારીઓનું ધ્યાન દોરી મદદ માગવામાં આવી હતી. જે સ્થળ પરથી બાઈક કિંમત રૂપિયા 30 હજાર, એક ટ્રેક્ટર 3.50 લાખ રૂપિયા, એક બોરવેલ 3.50 લાખ, એક ટ્રેક્ટર-ટ્રોલી 6.50 લાખ, એક ટેન્કર 50 હજાર અને એક ટ્રેક્ટર 3.80 લાખ મળી કુલ 18 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે 3 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ખેંગાભાઈ નોંધાભાઈ આહીર રહે.લાખાગઢ તા.રાપર, ફુસારામ મંગારામ જાટ રહે.સનાવડાકલા, જિ.બાડમેર, અર્જુનકોલ વૈશાખુકોલ રહે.જેઠા મધ્યપ્રદેશ વાળા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં ડોક્ટર ડી.એફ.ગઢવી, ચેતન ગોસ્વામી, ઇન્ચાર્જ આર એફો હળવદ, એસ.એમ.સારલા, કે.એમ.ત્રમટા, તેમજ વિભાગીય કચેરીના વિવિધ રેન્જના અધિકારીઓ જોડાયા હતા.