મોરબી જિલ્લામાં અકસ્માત અને આપઘાતના બનાવોએ માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં એક શખ્સનું ચાનક પડી જતા મોટ નીપજ્યું છે. જયારે અન્ય બે શખ્સોએ અલગ-અલગ સ્થળે ગળેફાંસો ખાઈ અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું છે.
પ્રથમ બનાવમાં, મોરબી-૨,શોભેશ્વર રોડ, દેરાસર પાછળ રહેતા મૂળ બિહારના શખ્સે ગઈકાલે તેની પત્ની સાથે ફોનમા બોલાચાલી થયેલ હોય જે બાબતે લાગી આવતા દેવેન્દ્ર શ્રી રામદેવ શર્માના રહેણાંક મકાને પોતાની જાતે પંખામા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બનાવને લઇ મકાન માલિકે પોલીસને જાણ કરી હતી. અને પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, મોરબી રવાપર રોડ કાલીકા પ્લોટ ખાતે રહેતા ઉદયભાઇ સોમાભાઇ મકવાણા નામના શખ્સ ગત તા.૦૨/૦૪/૨૩ ના રોજ પોતાના રહેણાક મકાન બહાર શેરીમા કોઇપણ કારણોસર ચાલતા –ચાલતા પડી જતા તેઓને માથામા ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, વાંકાનેરમાં ફેવરીટ મીનરલ્સ વીસ નાળા પાસે સરતાનપર રોડ લેબ કવાર્ટરમા રહેતા લક્ષ્મણ સુમુ નામના શખ્સે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને ગળે ફાંસો ખાઈ લેતા સ્થાનિકોએ તેને નીચે ઉતારી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યો હતો. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.