ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. છતાં રોજ-બરોજ વિદેશી દારૂ ઝડપાવા અંગેના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે વધુ એક વિદેશી દારૂ ઝડપાયા અંગેનો કિસ્સો મોરબી તાલુકાનાં રંગપર ગામેથી સામે આવ્યો છે. જેમાં આરોપીએ વેચાણ કરવાના ઇરાદે ત્રણ પેટી વિદેશી દારૂનો જથ્થો પોતાની ઓરડીમાં છુપાડેલ હતો. જે પોલીસે બાતમીનાં આધારે પકડી પાડી આરોપીને દબોચી લીધો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રંગપર ગામે આવેલ વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા (રહે.રંગપર મહાવિરસિંહ હરિસિંહ ઝાલાની ઓરડીમાં ભાડેથી તા.જી.મોરબી મુળ રહે.ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર)ની ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદે વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની ૩૬ બોટલોનો રૂ.૧૩,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા નામના ઈસમની અટકાયત કરી છે. ત્યારે પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેણે આ મુદ્દામાલ બળુભા જીલુભા ઝાલા (રહે.નાડધ્રી તા.મુળી જી.સુરેન્દ્રનગર) નામના બુટલેગર પાસેથી મેળવ્યો હતો. જે હકીકતના આધારે પોલીસે બળુભા ઝાલાને પકડવા ચક્રો ગતિમાન કરી બંને વિરુદ્ધ પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ),૧૧૬-(બી),૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.