Thursday, November 26, 2026
HomeGujaratમોરબીના કરણ અમૃતિયા ‘પાલક માતા-પિતા યોજના’ના સથવારે બન્યા એન્જિનિયર

મોરબીના કરણ અમૃતિયા ‘પાલક માતા-પિતા યોજના’ના સથવારે બન્યા એન્જિનિયર

બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવી અને માતાના પુનઃલગ્ન બાદ દાદા-દાદીના સહારે ઉછરેલા યુવાનને સરકારની માસિક રૂ. ૩,૦૦૦/- ની સહાય બની ટેકારૂપ.

- Advertisement -
- Advertisement -

મોરબી: જીવનના કપરા સંજોગો અને આર્થિક અછત વચ્ચે પણ જો યોગ્ય માર્ગદર્શન અને હૂંફ મળે, તો કોઈપણ બાળક પોતાના સપનાંઓને સાકાર કરી શકે છે. જેનું જીવંત ઉદાહરણ મોરબી તાલુકાના જેતપર ગામના રહેવાસી અમૃતિયા કરણ હીરસોરભાઈની જીવનકથા બની છે એ જેમના માટે સરકારના સમાજ સુરક્ષા પ્રભાગની ‘પાલક માતા-પિતા યોજના’ આશાનું કિરણ બની છે. માત્ર ૧૨ વર્ષની વયે પિતાના અવસાન અને માતાના પુનઃલગ્નને કારણે કિરણના જીવનમાં મોટો ખાલીપો સર્જાયો હતો. ભવિષ્યની ચિંતા અને આર્થિક સ્થિતિને લઈને તે હતાશ થઈ ગયો હતો. આ કપરા સમયમાં દાદા-દાદીએ તેને પ્રેમ અને હૂંફ આપી સાચવ્યો, જ્યારે સરકારની યોજનાએ તેના શિક્ષણ અને ભવિષ્યને મજબૂત પાાયો આપ્યો.

 

યોજનાનો લાભ મળ્યા પૂર્વે કરણના પરિવારની આર્થિક સ્થિતિ મધ્યમ હતી. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને શૈક્ષણિક ખર્ચ માટે નાણાંની ઉપલબ્ધતા મર્યાદિત હતી. પરંતુ મોરબીના જીલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફ દ્વારા પાલક માતા-પિતા યોજનાની માહિતી આપી જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર અપાતા કરણને આ યોજનાનો લાભ મળ્યો. આ યોજના હેઠળ મળતી માસિક રૂ. ૩,૦૦૦/- ની સહાય સીધી ખાતામાં જમા થતી હતી. આ રકમથી કરણની રોજિંદી જરૂરિયાતો અને અભ્યાસનો ખર્ચ સરળતાથી પૂર્ણ થવા લાગ્યો, જેના પરિણામે તે આત્મવિશ્વાસ સાથે આગળ વધીને મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો.

 

લાભાર્થી કરણ અમૃતિયા જણાવે છે કે, “પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ મારા ભવિષ્ય અંગે મૂંઝવણ હતી. પરંતુ દાદા-દાદીની હૂંફ અને સરકારની પાલક માતા-પિતા યોજનાએ મારા જીવનને નવી દિશા આપી. માસિક રૂ. ૩,૦૦૦/- ની સહાયે મારા અભ્યાસમાં મદદ મળી અને આજે હું મિકેનિકલ એન્જિનિયર બની શક્યો છું. આ યોજના મારા જેવા બાળકો માટે સન્માનજનક જીવનનો મજબૂત આધાર છે. હું સરકાર, સમાજ સુરક્ષા પ્રભાગ તેમજ જીલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી-મોરબીનો હૃદયપૂર્વક આભારી છું.”

 

૦ થી ૧૮ વર્ષના અનાથ બાળકો અથવા માતા-પિતા પૈકી એકના અવસાન બાદ બીજાએ પુનઃલગ્ન કરેલ હોય અને બાળક નજીકના સગા-સંબંધી સાથે રહીને આંગણવાડી કે શાળાએ જતું હોય તેવા બાળકોને માસિક રૂ. ૩,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. લાભાર્થીઓ જીલ્લા બાળ સુરક્ષા એકમ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકે છે અથવા e-samajkalyan પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી માટે બાળકનો જન્મ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માતા-પિતાનો મરણનો દાખલો, પુનઃલગ્નનો દાખલો, આવકનો દાખલો, બેંક ખાતાની વિગત, રેશનકાર્ડ, આધારકાર્ડ અને શાળા/આંગણવાડીનું બોનોફાઈડ પ્રમાણપત્ર જરૂરી રહે છે.

 

સરકારની સંવેદનશીલતા, વહીવટી તંત્રના અને લોકકલ્યાણકારી યોજનાઓ જ્યારે જરૂરિયાતમંદ સુધી પહોંચે છે, ત્યારે નિરાશા આશામાં અને સંઘર્ષ સફળતામાં પરિણમે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!