મોરબી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળીની રાત્રે સર્વત્ર ફટાકડાની આતશબાજી થવાથી ફટાકડાના સળગતા તણખા પડવાથી ઠેરઠેર નાની મોટી આગ લાગી હતી.
જેમાં મોરબીના સરદાર પેટલ રોડ ઉપર આવેલ ખેતરમાં ફટાકડાને કારણે આગ લાગી હતી અને થોડીવારમાં આગે વેગ પકડી લેતા ખેતર ભડભડ સળગી ઉઠ્યું હતું.તેમજ મોરબીના સરદાર બાગ પાસે દવે પંચોલી ગ્રાઉન્ડમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી અને થોડીવારમાં આગની ભીષણ જ્વાળાઓ ફેલાય જતા દોડધામ મચી ગઇ હતી.આ ઉપરાંત મોરબીના લાતી પ્લોટ 7 માં આવેલ પડતર વંડામાં, કાલિકા પ્લોટ 1 માં કચરાના ઢગલામાં, મોરબી તાલુકાના બગથળા ગામે ઘાસના જથ્થામાં, લાલપર ગામ પાસે શ્રીનાથ પેકેજીંગ કારખાનાના વેસ્ટ માલ ઉપર આગ લાગી હતી.
જોકે શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફટાકડાના તણખા ઉડવાથી કચરાના ઢગલા કે અન્ય જગ્યાએ નાની નાની આગ લાગી એ તો જુદી જ. આ રીતે ફટાકડાથી સતત આગ લાગતા ફાયર બ્રિગ્રેડ વિભાગ દોડધામ મચી ગઇ હતી.ફાયર બ્રિગેડ વિભાગે દરેક સ્થળે સમયસર પહોંચીને આગ બુઝાવી નાખી હતી.જોકે આગથી મોટી દુર્ઘટના કે જાનહાનીના અહેવાલ મળ્યા નથી.