હળવદ પોલીસે ગઈકાલે એક જ દિવસમાં બે સ્થળોએથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. જેમાં હળવદ પોલીસે સુંદરગઢ ગામની બ્રાહ્મણી નદીના કાંઠે રેઈડ કરી એક બાદ એક બે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. જયારે બંને ભઠ્ઠી ચલાવતા ઈસમો ફરાર થઈ જતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રથમ દરોડામાં, હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સુંદરગઢ ગામની બ્રાહ્મણી નદીના કાંઠે સુનીલભાઇ રમેશભાઇ ચરમારીની ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી દેશી પીવાનો દારૂ બનાવવાનો રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનો ૫૦૦૦ લીટર ઠંડો આથો, રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનો ૧૦૦૦ લીટર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ ૩૮,૦૦૦/- નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. જયારે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો સુનીલભાઇ રમેશભાઇ ચરમારી (રહે સુંદરગઢ તા-હળવદ જી-મોરબી) નામનો શખ્સ સ્થળ પર હાજર મળી નહિ આવતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમ સુનીલ ચરમારીની ભઠ્ઠી પર રેઈડ કરી પરત ફરી રહી હતી. ત્યારે તેઓને ગણેશ ચરમારી તથા બળદેવ જીંજુવાડીયાની સુંદરગઢ ગામની બ્રાહ્મણી નદીના કાંઠે આવેલ ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની માહિતી અમ્લતા તેઓએ સ્થળ પર રેઈડ કરી દેશી પીવાનો દારૂ બનાવવાનો રૂ.૬,૦૦૦/-ની કિંમતનો ૩૦૦૦ લીટર ઠંડો આથો તથા રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનો ૫૦૦ લીટર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ ૧૯,૦૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે ગણેશ બચુભાઇ ચરમારી (રહે સુંદરગઢ તા.હળવદ જિ.મોરબી) તથા બળદેવ બાબુભાઇ જીંજુવાડીયા (રહે સુંદરગઢ તા.હળવદ જિ.મોરબી) નામના બંને બન્ને આરોપીઓ સ્થળ પર હાજર નહી મળી આવતા પોલીસે તેમના વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.