મોરબીમાં અસામાજિક તત્ત્વોનાં આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બોલેરો ચાલક અને ટ્રેક્ટર ચાલક વચ્ચેની બબાલમાં સમાધાન કરવા વચ્ચે પડેલ યુવકની કારના ઈસમોએ કાચ ફોડી નાખી યુવકને ધમકી આપી હતી. તેમજ યુવકને બચાવવા ગયેલા અન્ય એક શખ્સને ઇસમોએ ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં સિંધાવદર અશરફનગર ખાતે રહેતા જાહિદભાઈ હુસેનભાઈ પરાસરા નામનાં યુવકે GJ—23-V-5202 નંબરનાં બોલેરોનો ચાલક GJ-03-EA-6685 નંબરના ટ્રેક્ટર ચાલક સાથે ચંદ્રપુર નાલા પાસે બોલાચાલી કરતા હોય જેથી બોલેરો ચાલકને ટ્રેક્ટર ચાલક સાથે બોલાચાલી નહિ કરવા કહેલ તે બાબતનો ખાર રાખી ફરીયાદીને બનાવવાળી જગ્યાએ GJ-36-F-1899 નંબરની ઇકો ફોરવીલ પાર્ક કરેલ તે ઇકોની ખાલી સાઈડનો પાછળનો કાચ ભ્રુરો સરાણીયો નામનાં આરોપીએ લાકડી વતી તોડી નાંખી નુકશાની પહોંચાડી તથા
બટુકભાઈ સરાણીયા, હરેશભાઈ સરાણીયાનો છોકરો તથા દેવરાજ સરાણીયા (રહે-બધા-ચંદ્રપુર અલંકાર હોટલ પાછળ તા.વાંકાનેર) નામનાં આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો કાઢી તથા સાહેદ અલીભાઈ પરાસરા ફરીયાદીને છોડાવવા વચ્ચે આવતા તેમને આરોપીઓએ ઢીકાપાટુનો શરીરે મુંઢ માર મારતાં સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.