મોરબીની સિવીલ હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી મેડિકલ ઓફિસરનો મોબાઈલ ચોરી થવા અંગે સામાજીક કાર્યકર દ્વારા પોલિસને લેખિતમાં રજૂઆત કરાઇ.
મોરબીની સિવીલ હોસ્પીટલના કોરોના પોઝીટીવ વોર્ડમાં મેડીકલ ઓફીસર અને દર્દીઓ તથા નર્સના મોબાઇલ ચોરાઈ જવા અંગે મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસ્તાકભાઇ બ્લોચ તથા કૌશિક મહેતા દ્વારા મોરબીના પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબીની સીવીલ હોસ્પીટલના કોરોના પોઝીટીવ વોર્ડમાં મેડીકલ ઓફીસર ડો. અશ્વીનકુમાર દેવરાજભાઇ ટાંકનો રૂ. 18,000ની કિંમતનો ઓપોનો મોબાઈલ ગત તા. 26 ઓક્ટોબરના રોજ સાંજના 8 વાગ્યા સુધી ચાર્જીગમાં હતો. પછીથી મોબાઇલ ગાયબ થઇ ગયો. આ બનાવની સામાન્ય તપાસ કરવામાં આવેલ હતી. પરંતુ સી.સી.ટી.વી. કેમેરા કુટેજ પણ ચેક થયેલ નથી. આ ઉપરાંત, સી.સી.ટી.વી. કેમેરા અને સાધનિક પુરાવા હોય તો પણ આ રીતે અવાર-નવાર મોબાઇલની ચોરી તથા અન્ય સોના-ચાંદીના દાગીના કે દર્દીના કે ડોકટર કે નર્સના પાકીટ પણ ઉપડી જાય છે. આવી અનેક ફરીયાદો કરવામાં આવેલ છે. આમ, કોરોના વોર્ડમાંથી મોબાઈલ ગાયબ થઇ જાય કે હોસ્પિટલમાં અવારનવાર થતી અન્ય ચોરીઓના બનાવની યોગ્ય તપાસ કરવા આવે તેમજ આ અંગે તંત્ર દ્વારા તાત્કાલીક પગલા લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.