વાંકાનેર સીટી પોલીસે પ્રોહીબીશનના વધતા બનાવોને અંકુશમાં લાવવા ચાલતી ઝુંબેશ અંતર્ગત જીનપરા જકાતનાકા હાઈવે રોડ ઉપર પરથી દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડયા છે. જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા અન્ય એક આરોપીનું નામ સામે આવતા તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર જીનપરા જકાતનાકા હાઈવે રોડ ઉપરથી એક કાર પસાર થનાર છે. જેમાં દેશી દારૂ ભરેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રાખી GJ-3-CE-8615 નંબરની કાર સ્થળ પરથી પસાર થતા તેને રોકી તેમાં સવાર રોહીતભાઈ દાનાભાઈ કાંજીયા (રહે.વીડીજાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી) અને વિજયભાઈ જીવાભાઈ સાંકળીયા (રહે.હાલ નવા ઢુવા મેઈનશેરી તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.નોલી તા.સાયલા જી.સુરેન્દ્રનગર)ની પૂછપરછ કરી ગાડીની તપાસ કરતા તેમાંથી રૂ.૮૦૦૦/-ની કિંમતનો ૪૦૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી ગાડી સહીત કુલ રૂ.૧,૬૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપીઓની પૂછપરછ કરતા તોફીકભાઈ સંધી (રહે.મુળ મોરબી હાલ રહે.ઢુવા)નું નામ ખુલતા તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તોફીકને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે.