રફાળેશ્વર અને સરતાનપર ગામે જુદા જુદા બે બનાવોમાં બે વ્યક્તિઓના અકસ્માતે મોત
મોરબીના રફાળેશ્વર ગામે કડાઈ પરથી ગરમ તેલ પડતા દાઝી જવાથી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં રહતી બાળકી રમતી હતી. ત્યારે કડાઈ પરથી ગરમ તેલ પડતા દાઝી જવાથી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે જેમાં રફાળેશ્વર ગામમાં આનંદ સીરામિકમાં રહી કામ કરતા કનુભાઈ ચૌહાણની 4 વર્ષની દીકરી ઇન્દુ ગત તા. 16ના રોજ બપોરે સાડા બારેક વાગ્યે રમતી હતી. તે વખતે કડાઈનુ ગરમ તેલ શરીર પર પડતા દાઝી ગઈ હતી. આથી, તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેરમાં સરતાનપર રોડ પર સીરામીક કારખાનામાં બેલ્ટમાં માથું આવી જતા તરુણનું મૃત્યુ
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર લેટીક વ્રીટીફાઇડ સીરામીક ફેક્ટરીમાં કુટકા રામસીંગ ઉ.વ. ૧૭, રહે. મુળ કપાટી, જી દેવળીયા (મધ્યપ્રદેશ) કામ કરતો હતો એ સમયે બેલ્ટમાં માથુ આવી જવાથી ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.