હળવદ નજીક આવેલ હોટલમાં ચાલતો નશાનો કારોબાર મોરબી એસઓજી ટીમે ઝડપી પાડયો છે. જેમાં સુખપર ગામ પાસે આવેલ બાબા રામદેવ નામની હોટલમાંથી એક ઈસમને ૩ કિલો ૩૩૧ ગ્રામ પોસડોડાના જથ્થા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર,મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, હળવદથી ધ્રાંગધા જતા રોડની જમણી સાઇડ ઉપર સુખપર ગામની સીમમાં આવેલ બાબા રામદેવ નામની હોટલમાં ગેર કાયદેસર પોસડોડાનું વેચાણ થાય છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હોટલ સંચાલક ઠાકરારામ લીછમનારામ ચૌધરી (રહે, હાલ બાબા રામદેવ હોટલ સુખપર ગામની સીમ હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ તા. હળવદ જી.મોરબી મુળ રહે.શીણધરી જુના બસ સ્ટેશનની બાજુમાં તા.ગુડામાલા ની.જી.બાલોતરા રાજસ્થાન)ની માદક પદાર્થ પોસડોડાનો ૩ કિલો ૩૩૧ ગ્રામનાં રૂ.૯,૯૯૩ /-નો જથ્થો તથા રૂ.૧૦૦૦/-ની કિંમતનો એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૦,૯૯૩/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. તેમજ આરોપીની પૂછપરછ કરતા તેના જણાવ્યું હતું કે, તે પોતાની હોટલ પર આવતા જતા ટ્રક ડ્રાઇવરોને છુટક રીતે આ મુદ્દામાલનુ વેચાણ કરતો હતો.તેમજ ઝડપાયેલ આરોપી તેને આ મુદ્દામાલ કોની પાસેથી લાવતો હતો કેટલા સમયથી વેચાણ કરતો હતો તેવા અનેક સવાલોના જવાબ મેળવવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.