બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના વેગડવાવ ગામે રહેતા રમેશભાઈ ફૂંકાભાઈ વાઘેલા (ઉ.વ. 40) નામના યુવાનના કૌટુંબિક ભાઈ મુન્નાની પત્ની પિયરે રિસામણે બેઠી હોય. આથી, રમેશભાઈ ગઈકાલે બપોરે પોતાના કૌટુંબિક ભાઈ મુન્નાને સાથે લઈને તેની પત્નીને તેડવા પિયર હળવદના પ્રતાપગઢ ગામે ગયા હતા. જ્યાં પરિણીતાને તેડવા મામલે સાસરિયા પક્ષે બોલાચાલી કરતા મામલો વણસ્યો હતો અને ઉશ્કેરાયેલા સાસરિયા પક્ષના લોકોએ રમેશભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ધવાયેલા રમેશભાઈ વાઘેલાને તાકીદે વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આથી, આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. અમદાવાદ ખાતે હતભાગી યુવાનનું પીએમ કરવામાં આવ્યું છે. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ ફરિયાદ લેવા અમદાવાદ પહોંચી છે. જો કે આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ જ બનાવ વધુ સ્પષ્ટ થશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.