મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ નું વિસર્જન કરવામાં આવ્યું છે વાલ્મિકી સમાજના સભ્યને સ્થાન ન મળતા સામાજિક ન્યાય સમિતિને ગેરલાયક ઠેરવી વિકાસ કમિશનર દ્વારા ફરીથી સામાજિક ન્યાય સમિતિની રચના કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિના ત્રણ સભ્યોની સામાજિક ન્યાય સમિતિમાં નિમણૂક કરાઇ હતી. પરંતુ પંચાયત અધિનિયમ મુજબ સામાજિક ન્યાય સમિતિના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના સભ્યની પણ નિમણૂક કરવાની હોય છે. પંચાયતે અધિનિયમનો ઉલાળીયો કરી સામાજિક ન્યાય સમિતિમાં અનુસૂચિત આદિજાતિ એટલે કે વાલ્મિકી સમાજના એક પણ સભ્યને સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ બાબત ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારીએ આ અંગે રાજ્યના વિકાસ કમિશનરને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તમાં નવી રચાયેલી સામાજિક ન્યાય સમિતિમાં વાલ્મિકી સમાજના એક પણ સભ્યનો સમાવેશ ન થયાનું જણાતા વિકાસ કમિશનરે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિને ગેરલાયક ઠેરવી રદ કરી હતી. અને ગુજરાત પંચાયતના અધિનિયમ મુજબ હવે નવેસરથી મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે.