મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમ વિસ્તારમાં થયેલી યુવાનની હત્યામાં એક આરોપીની અટકાયત કરી છે જ્યારે મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર હોય તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે હાલ ઝડપાયેલા આરોપીએ હત્યા ક્યાં કારણોસર કરી છે એ જ તેને ખબર નથી. ફરાર એવા મુખ્ય આરોપીના કહેવાથી હત્યા કર્યાનું હાલ ઝડપાયેલો આરોપી રટણ કરી રહ્યો હોય પોલીસે યુક્તિ પ્રયુક્તિથી તેની વધુ પૂછપરછ ચાલુ રાખી છે.
ગત તા.૧૫/૧૨ ના રોજ મૃતક મનોજ પરમારના પિતા માધુસિંગ કેશરસિંગ પરમાર(ઉ.વ.૪૦)એ બે શખ્સોએ તેના પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યાનુસાર મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લા, પોસ્ટ સગવાલ, રાલામંડલના રહેવાસી ફરિયાદીના પુત્ર મનોજની હત્યા કરી માટીના ઢગલામાં ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ બાબતે મૃતકના પિતાએ મૂળ એમ.પી.ના ધાર જિલ્લાના દડ ગામના રહેવાસી અને હાલ રહે. ભડીયાદ સ્થિત મિલેનિયમ કારખાનાની મજૂરોની ઓરડીમાં રહેતા બલરામ રમેશભાઈ આદિવાસી તથા રામસિંગ અમરસિંગ રહે. હાલ રાજુલા, અમરેલી વાળા સામે શંકા દર્શાવી હતી.
ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે 30 વર્ષીય રામસિંગ ઉર્ફે રાજુ અમરસિંગ વસુનિયાની અમરેલીના રાજુલા સ્થિત ભરતભાઇ બચુભાઇ ભીમાણીની વાડીમાંથી ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીએ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, મુખ્ય આરોપી બલરામે તેને રાજુલાથી મોરબી ભડીયાદ બોલાવ્યો હતો. ત્યાર બાદ મૃતક સહિત ત્રણેય જણા એક બાઇકમાં બહાર ગયા હતા. એ દરમ્યાન મુખ્ય આરોપી બલરામે રામસિંગને કહ્યું હતું કે, મનોજને મારી નાંખવો છે. ત્યાર બાદ લાશ મળી એ જગ્યાએ માટીના ઢગલા પાસે મનોજને પછાડી દઈ તેને ઢોરમાર મારતા તેનું મોત થયું હતું. હત્યા બાદ રામસિંગ અને બલરામ બન્ને અલગ પડી ગયા હતા અને રામસિંગ રાજુલા જતો રહ્યો હતો. ઝડપાયેલા રામસિંગ પોલીસ પૂછપરછમાં રટણ કરી રહ્યો છે કે, બલરામે શા કારણે મનોજને મારી નાંખવાનું નક્કી કર્યું હતું એ બાબતથી તે અજાણ છે. જો કે, પોલીસને રામસિંગના ખુલાસા પર ભરોસો ન હોય તેની વધુ પૂછપરછ ચાલુ રાખી છે. જ્યારે નાસી છૂટેલા મુખ્ય આરોપી બલરામની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.