મોરબીમાં નવું સંશોધન અને વિકાસ કેન્દ્ર સ્થાપવાની રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર પાસે માંગ : ગ્લોબલ લેવલે સીરામીક ઇન્ડસ્ટ્રીનું સ્થાન મજબૂત કરવા રાજ્ય સરકાર બની કાર્યશીલ : ગુજરાતના સીરામીક ઉદ્યોગનો વિશ્વના નિકાસ બજારમાં 8% હિસ્સો
મોરબી : જેમ જેમ ગુજરાતનો અને તેમાં પણ ખાસ કરીને મોરબીનો સિરામિક્સ ઉદ્યોગ વધુ ને વધુ વિકાસશીલ બનતો જાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું સ્થાન બનાવે છે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેન્દ્રને આ ક્ષેત્રને વિશેષ ટેકો આપવા વિનંતી કરી છે. ગુજરાત સરકારે મોરબી સ્થિત ક્લસ્ટર માટે સતત કાર્યરત રહે તેવા સિરામિક નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મેળવી શકે તેવું નવું સંશોધન અને વિકાસ કેન્દ્ર સ્થાપવાની માંગ કરી છે આ અંગેના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રાજ્યના ઉદ્યોગો અને ખાણ વિભાગના એક સૂત્રએ જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનો વિકાસ મોરબીમાં સિરામિક્સ ઉદ્યોગ માટે વૈશ્વિક ગ્રાહકોને માલ પ્રદર્શિત કરવા માટે એક મંચ આપશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે “રાજ્ય સરકારે મોરબી અને આજુબાજુના વિસ્તારોમાં 100થી વધુ નવા સિરામિક્સ પ્લાન્ટને મંજૂરી આપી છે. જે આગામી બે વર્ષમાં રૂ. 12,000 કરોડના રોકાણ માટે રોકાણકારોને આકર્ષિત કરશે.” આગળ જણાવતા તેમણે કહ્યું હતું કે “વિકાસને વધુ વેગ આપવા માટે, રાજ્ય સરકાર સીરામીક ક્લસ્ટરને વધુમાં વધુ ટેકો આપવા વિચારી રહી છે અને કેન્દ્રને સિરામિક્સ ઉદ્યોગ માટે એક અલગ નિકાસ પ્રમોશન કાઉન્સિલની મંજૂરી આપવા વિનંતી કરી છે.” હાલમાં, સીરામિક્સ ક્લસ્ટર CAPEXIL (Chemical and Allied Export Promotion Council) હેઠળ સબમિટ થયેલ છે.