લગ્ન પ્રસંગમાં આવેલ જામ-ખંભાળીયાના વકીલની પાર્ક કરેલ કારમાંથી ૧.૫૩ લાખના સોનાના દાગીના ભરેલ પર્સની ચીરી
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ પવિત્ર-હોલ બહાર કાર પાર્ક કરી દાંડિયા રાસના પ્રસંગમાં હાજરી આપવા ગયેલ પરીવારની કારનો કાચ તોડી પાછળની સીટમાં રાખેલ ૧.૫૩ લાખના સોનાનો સેટ ભરેલ પર્સની કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઇ ગયાનો બનાવ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે.
મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં દેવભુમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયાના રામનાથ સોસાયટીમાં રહેતા કિરીટભાઈ મનસુખભાઇ નિમાવત એ અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૭/૦૧ ના રોજ મોરબીના વાવડી રોડ ઉપર સ્થિત પવિત્ર-હોલ ખાતે કિરીટભાઈ તેના પરિવાર સાથે પોતાની હોન્ડા અમેઝ કાર રજી. જીજે-૩૭-જે-૫૯૨૪ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા ત્યારે પવિત્ર-હોલમાં દાંડિયા રાસ ચાલુ હોય એટલે હોલ બહાર કાર પાર્ક કરી અંદર ગયા. આશરે બાર વાગ્યે દાંડિયા રાસ કાર્યક્રમ પૂરો થતા હોલ બહાર પાર્ક કરેલ કાર પાસે આવતા કારની પાછળની સીટ પાસે નાનો કાચ તૂટેલ હતો. જેથી કાર ખોલી અંદર જોતા કારમાં રહેલ કિરીટભાઈની પત્નીના પર્સની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જે પર્સમાં સોનાનો અંદાજે ચાર તોલા સોનાનો સેટ કિમત આશરે રૂ.૧,૫૩,૯૯૦/-ની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.