ચાર વર્ષની દીકરીએ એ પોતાની છત્રછાયા ગુમાવી:પોલીસે મરવા મજબૂર કરનાર સાત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો
મોરબીમાં ટાઈલ્સના ટ્રેડીંગના ધંધાર્થી યુવકે બે દિવસ પહેલા મચ્છુ-૩માં પોતાની જાતે ઝંપલાવી આત્મહત્યા કરી મોતને ભેટ્યો હતો. ત્યારે યુવાન પાસે રહેલ બે મોબાઇલમાં એક નંબર ઉપરથી બીજા નંબરમાં વોટ્સઅપ મેસેજમાં આપઘાત કરવા પાછળ ચાર વ્યાજખોર તથા ધંધામાં સંબંધના દાવે જેને જેને ટાઈલ્સની ગાડી ભરી દીધી બાદ નીકળતા રૂપિયા ન આપી આર્થિક સંકળામણના લીધે મરવા મજબુર કરનારા એવા ત્રણ શખ્સો મળી કુલ સાત આરોપીઓ વિરુદ્ધ મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી ૩૦૬,૫૦૬,૧૧૪ તથા નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર લોટસ ૧૫૮માં બી-૮માં રહયા મૂળ માણેકવાડાના અનિલભાઈ કુંવરજીભાઇ ગોધવીયા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી દિનેશભાઇ આહીર આસ્થાવાળા, રાજુભાઇ બોરીચા ખાખારાળાવાળા, લાલાભાઇ શનાળાવાળા, ભાવેશ ગોધવીયા વાવડીવાળા તથા સંજય ભરવાડ, જયેશ કાસુન્દ્રા, વિકાશભાઇ પડસુંબીયા રહે.નાની વાવડી તેમજ તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી અનિલભાઈના નાના ભાઇ મૃતક રવિભાઇ કુવરજીભાઇ ગોધવીયા રહે. કપીરાજ એપાર્ટમેન્ટ, વિજયનગર, છાત્રાલય રોડ મોરબી વાળાએ દિનેશભાઇ આહી૨ આસ્થાવાળા પાસેથી ધંધાની જરૂરીયાત માટે ૬૦ લાખ રૂપીયા વ્યાજે લીધેલ હોય જેના બદલે ૧.૫૦ કરોડ રૂપીયા આપી દિધેલ હોય તથા રાજુભાઇ બોરીચા ખાખારાળાવાળા, લાલાભાઇ શનાળાવાળા, ભાવેશભાઈ ગોધાવીયા વાવડીવાળા પાસેથી વ્યાજે રૂપીયા લીધેલ હોય ત્યારે તમામે મૃતક રવિભાઇ પાસેથી ધાક ધમકી આપી ચેક લઇ પૈસાની ઉઘરાણી કરી ઘરે આવી માનસીક ત્રાસ આપતા હોય તથા જે રૂપીયા તેને ચુકવી દિધેલ હોય તેમ છતાં માનસીક ત્રાસ આપી હેરાન કરતો હોય.
બીજીબાજુ સંજય ભરવાડ, જયેશ કાસુન્દ્રા, વિકાશભાઇ પડસુંબીયા રહે. નાની વાવડી મૃતક રવિને ધંધાના રૂપીયા લેવાના હોય તેઓને સંબંધના દાવે ટાઇલ્સની ગાડી ભરી દીધી હોય તથા આર્થિક જરૂરિયાતના સમયે મૃતક રવિએ રૂપિયા આપ્યા હોય જે રૂપિયાની મૃતક રવિભાઈ અવાર નવાર માંગણી કરતા હોવા છતા નહી આપી, હેરાન કરી, માનસીક ત્રાસ આપેલ હોય ત્યારે આર્થિક સંકળામણને પહોંચી વળવા અન્ય અજાણ્યા માણસો પાસેથી મૃતક રવિભાઈએ ઉંચા વ્યાજે રૂપીયા લેવા પડ્યા હોય ત્યારે જેમની પાસેથી વ્યાજે લીધેલ રૂપીયા ચુકવી દિધેલ હોય તેમ છતા પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી માનસીક ત્રાસ આપી હેરાન કરી રવિભાઇને મરવા મજબુર કર્યા હોય જેથી આખરે કંટાળી રવિભાઇએ પોતાની મેળે ગઇ તા.૨૨/૦૨ના રાત્રીના આઠેક વાગેના સુમારે મોરબી મચ્છુ-૩ ડેમના પાણીમાં કુંદકો મારી આત્મહત્યા કરી હોય જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.