મોરબી જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ તરીકે કિશોર ચીખલીયા ની વરણી થતા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઊભો થયો હતો અને કિશોર ભાઈ અગાઉ ભાજપ સાથે જોડાયા હતા ત્યારે ફરી કોંગ્રેસમાં પરત ફર્યા અને હાલમાં તેમની પત્ની પણ મોરબી જિલ્લા પંચાયત ભાજપ ના સદસ્ય છે.જેને લઇને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો.ત્યારે આ નિર્ણય ને કારણે કોંગ્રેસને ભારે મોટી કિંમત ચૂકવવી પડી છે જેમાં મોરબી કોંગ્રેસના પાયાના પથ્થર સમાં ૧૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકરો કમલમ જવા રવાના થયા છે.
મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન નિલેશભાઈ ભાલોડિયા, તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન કિશોરભાઈ બાવરવા, મનસુખભાઇ રબારી, ચેતનભાઈ એરવાડિયા, બરવાળા ગામના સરપંચ ભરતભાઇ બાવરવા તેમજ આખી ગ્રામ પંચાયત બોડી સહિતના ૧૦૦ જેટલા આગેવાનો ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી વહેલી સવારે અમદાવાદ કમલમ જવા રવાના થયા છે.મોરબીથી ૨૨ કાર અને બે બસમાં ૧૦૦થી વધુ પાયાના પથ્થર સમાન કાર્યકરો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપ સંગઠન ના હોદેદારો ની હાજરીમાં અમદાવાદ કમલમમાં ૧૨.૩૯ મિનિટના વિજય મુહૂર્તમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે.