વૃદ્ધ ખેડૂતને જાનથી મારીને દાટી દેવાની ધમકી આપતા માથાભારે શખ્સો સામે યોગ્ય કાર્યવાહીની માંગ
હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે પડતર સરકારી જમીનમાંથી વૃદ્ધ ખેડૂતના ખેતરે જવાનો રસ્તો હોય જે નવા ઇસનપુર ગામના માથાભારે શખ્સો દ્વારા સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદેસર તાર-ફેન્સીંગ કરી બંધ કરી દેતા વૃદ્ધ દ્વારા જવા-આવવા રસ્તો ખુલ્લો રાખવા રજૂઆત કરતા ખેડૂત સાથે ઝઘડો કરી જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલી બેફામ ગાળો આપી હતી. તેમજ ખેડૂતને ધમકી આપતા કહ્યું કે ‘મારી નાખીને દાટી દેશું’. ત્યારે સમગ્ર બનાવ અંગે વૃદ્ધ ખેડૂત દ્વારા હળવદ પોલીસ મથકમાં સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી તથા એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકામાં જીના ઇસનપુર ગામે નવા વાસમાં રહેતા ૬૪ વર્ષીય ખેડૂત નાગરભાઇ કલાભાઇ પરમાર એ હળવદ પોલીસ મથકમાં આરોપી ધીરૂભાઇ પોપટભાઇ દલવાડી, માવજીભાઇ ધરમશીભાઇ દલવાડી, મનસુખભાઇ શીવાભાઇ દલવાડી, ધર્મેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ કણઝરીયા, ત્રીકમભાઇ અમરશીભાઇ દલવાડી, જગદીશભાઇ મગનભાઇ રંગાડીયા તથા કારૂભાઇ શીવાભાઇ દલવાડી (રહે.તમામ ગામ નવા ઇસનપુર) વિરુદ્ધ ખેડૂતે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૫/૦૧ના રોજ ફરીયાદી નાગરભાઈ પરમાર પોતાની ખેતીની જમીનમા જવાનો પડતર સરકારી જમીનમાંથી નીકળતો રસ્તો તેમજ નર્મદા કેનાલ ઉપર નદીમાં મુકેલ મશીન ઉપર જવાનો રસ્તો નવા ઇસનપુર ગામે રહેતા આરોપીઓએ તાર ફેન્સીંગ બાંધી બંધ કરી દીધેલ જે રસ્તાને આવવા જવા ખુલ્લો કરવાનુ કહેતા આ તમામ આરોપીઓએ ગેરકાયદેસરની મંડળી રચી વૃદ્ધ ખેડૂત નાગરભાઈ સાથે બોલાચાલી કરી ઝગડો કરી બેફામ ગાળો આપવા લાગ્યા તથા જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત(હડધુત)કરી મારી નાખીને દાટી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ સાતેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.