નશાની દુકાનો ચલાવનારાની દેશમાં કોઈ કમી નથી, તેવામાં મોરબીમાં નશાયુકત કફ સીરપનો જંગી જથ્થો મળી આવ્યો છે, મોરબીના એક ગોડાઉનમાંથી 10 હજાર જેટલી કોડીન યુક્ત કફ સીરપ મળી આવી છે. જેને લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગોડાઉન સંચાલકની ધરપકડ કરી આ સીરપ નો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમને ગઈકાલે ખાનગી રાહે બાતમી મળી હતી કે, લાતી પ્લોટ શેરી નં.૧/૨ની વચ્ચે શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટમાં એબોટ કંપનીની ફેન્સીડીલ નામની નશાકારક કોડેઇન યુકત કફ સીરપનો ગેર કાયદેસર જથ્થો પડેલ છે અને હાલમાં પણ ટ્રાન્સપોર્ટમાં પડેલ છે. જે હકીકતનાં આધારે મોરબી એ ડિવિઝન પોલીસે સ્થળ પર રેઈડ કરી એબોટ કંપનીની ફેન્સીડીલ નામની નશાયુક્ત કોડીન સીરપનો જથ્થો પકડી પાડયો છે. રૂ.20,54,500 ની કિંમતનાં 10 હજાર બોટલ નશાયુક્ત કોડીન સીરપના જથ્થા સાથે ટ્રાન્સપોર્ટ ગોડાઉન સંચાલક અશિફ આમદભાઈ રાઠોડ (રહે મોરબી)ની પણ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. તેમજ મોરબી એ ડિવિઝન પોલીસે ટ્રાન્સપોર્ટ ગોડાઉન માલિક રાજકોટના ગોપાલભાઈ પરબતભાઈ ભરવાડ અને સંચાલક આસિફ આમાદભાઈ રાઠોડ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અને આ સીરપ નો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો તેની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં એક સપ્તાહ પૂર્વે પણ પોણા કરોડની 90 હજાર બોટલ નશીલી સીરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે મોરબી વ્યપારની સાથે સાથે નશાની લહાયમાં પણ ધસે એ પહેલા પોલીસે નશીલી સીરપ પકડી પાડી છે.