મોરબીના લાલપર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-૫ માં આવેલ શ્રીરામ નામના ગોડાઉનમાં જે હાલ સાન્વી ટ્રેડિંગ નામ હેઠળ હોય જે ગોડાઉન ભાડે આપેલ હોય જે બાબતે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર ભાડે મકાન/ગોડાઉન આપ્યે સંબંધિત પોલીસ મથકમાં જાણ કરવાની હોય છે ત્યારે ગોડાઉન માલિકે આ પ્રકારની કોઈ જાણ પોલીસ મથકમાં નહિ કરાવી મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા આઇપીસી ૧૮૮ની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગત તા.૧૯/૩ ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાલપર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-૫ શ્રીરામ નામના ગોડાઉનમાં દરોડો પાડી રૂ.૧.૫૧ કરોડનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે ઉપરોક્ત ગોડાઉનના માલિક ભવાનીસિંહ વિક્રમસિંહ જાડેજાએ ગોડાઉન ભાડે આપ્યું તેનો ભાડા કરાર કરાવેલ હોય પરંતુ ભાડા કરાર કરેલ ઇસમ તથા મજુરો અંગેની કોઈપણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખી તથા આ અંગે સંબધિત પોલીસ સ્ટેશનને માહિતી આપેલ ન હોય જે ગોડાઉનમા ભાડા કરાર કરેલ ઇસમો દ્રારા ગેરકાયદેસર પ્રવૃતિ કરીને ગોડાઉનમા વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. જેથી ગોડાઉન માલિક ભવાનીસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ-૩૩ રહે.આશાપાર્ક સર્કીટ હાઉસની બાજુમા મોરબી-ર મુળગામ-ખીડોઇ ગામ કચ્છ ભુજ એ જીલ્લા મેજિસ્ટ્રેટના પ્રસિદ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી જાહેરનામા ભંગ બદલ આરોપી ભવાનીસિંહ વિરુદ્ધ આઇપીસી કલમ ૧૮૮ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.