મોરબીના મહેન્દ્રનગર ગામે જુના મનદુઃખ મામલે બે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બેથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ત્યારે બન્ને પક્ષ દ્વારા એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે ઉગમણા ઝાપા પાસે આવેલ શીતળામા મંદિર વિસ્તારમાં રહેતા સાગરભાઈ વિજયભાઈ પરમાર (ઉ.વ.૨૩) એ આરોપીઓ હસમુખભાઈ અનીલભાઈ પરમાર, લલીતભાઈ અનીલભાઈ પરમાર, અનીલભાઈ ડાયાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૭ ના રોજ ફરીયાદી મોટર સાયકલ લઈને મહેન્દ્રનગર પાસેથી જતા હોય ત્યારે આરોપીઓએ બાઈક આડુ રાખીને અગાઉ વાડાની જમીન બાબતે ઝઘડો કરેલ હોય તેનુ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુ મારી બટકા ભરી લોખંડના પાઈપ થી ફરીયાદી પર હુમલો કરી માર મારતા ફરીયાદીને પાંસળીમા તથા મણકામા ફેકચર જેવી ઈજાઓ કરી હતી. જેમાં બાદમાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે
તો સમાપક્ષના હસમુખભાઈ અનીલભાઈ પરમારએ આરોપીઓ સાગરભાઈ વિજયભાઈ પરમાર, બીપીનભાઈ દિનેશભાઈ પરમાર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ ફરીયાદી તથા સાહેદ બાઈક લઈને જતા હોય ત્યારે આરોપીઓએ મોટર સાયકલ આડુ રાખીને અગાઉ ઝઘડો થયેલ હોય, તેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદને આરોપી લાકડી વતી તથા ઢીકાપાટુનો માર મારી ગાળો આપી મુંઢમાર માર્યો હતો. બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.