ગોંડલના ગણેશગઢ ખાતે મળેલા ક્ષત્રિય સમાજનાં મેળાવડામાં અંદાજે એકાદ હજારની મેદની સમક્ષ પરસોતમ રૂપાલાએ બે હાથ જોડીને સમગ્ર દેશના ક્ષત્રિયોની માફી માંગી છે. રુપાલાએ નિવેદનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને અને બે હાથ જોડીને માફી માંગી હતી. તેમ છતાં પરસોતમ રૂપાલા વિરૂદ્ધ હજુ મોરબી શ્રી રાજપૂત કરણી સેનામાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે.
લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં સામે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી છે. જયરાજસિહનાં શેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો આ બેઠકમાં સામેલ થયા હતા. બેઠક શરૂ થયા બાદ પરસોતમ રૂપાલા પણ આ બેઠકમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. પરંતુ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આ માફી માન્ય નહિ રાખતા વિરોધ યથાવત રહ્યો છે. તેમજ મોરબી શ્રી રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોતમ રૂપાલા વિરૂદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.ત્યારે આજે પણ પરષોત્તમ રૂપાલા હાય હાય ના નારા સાથે કરણી સેનાના કાર્યકરો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.