મોરબી:લોકસભા ચૂંટણી ૨૦૨૪ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરતા જેના વિરોધમાં મોરબી કરણી સેનાના પ્રમુખ સહિતના કાર્યકરોએ ઓમશાંતિ સ્કૂલ સામે આવેલ ગ્રાઉન્ડમાં પરષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું., જે પૂતળા દહનનો વિડીઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા મોરબી એ ડિવિઝન પોલીસે સાત ઈસમો વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી: ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન કરનાર લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ચોમેરથી વિરોધના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે મોરબી કરણી સેનાના પ્રમુખ સહિતના કાર્યકરો દ્વારા પ્રથમ જીલ્લા કલેક્ટરને આવેદન પાઠવી પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ગુન્હો નોંધવા તથા ભાજપે ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે તે રદ કરવાની માંગ કર્યા બાદ મોરબીના શનાળા રોડ ખાતે ઓમશાંતિ સ્કૂલ સામે આવેલ ગ્રાઉન્ડમાં જાહેરમાં પરષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
ત્યારે પુતળા દહનનો વિડીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી વાઇરલ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિડીઓમાં દેખાતા ઈસમોની ઓળખ કરી હતી જેમાં મોરબી કરણી સેના પ્રમુખ જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, વનરાજસિંહ મુળરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ બાબભા જાડેજા, જુવાનસિંહ સનતસિંહ જાડેજા, યુવરાજસિંહ મહાવિરસિંહ ઝાલા, કુલદીપસીંહ વનરાજસિંહ જાડેજા, શકિતસિંહ ભાવસિંહ ચુડાસમા રહે.તમામ મોરબી વિરુદ્ધ ચારથી વધુ વ્યક્તિઓએ ભેગા નહિ થવાના મોરબી જીલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.