મોરબીમાં દિન પ્રતિદિન કહેવાતા માથાભારે તત્વો દ્વારા છાસવારે નિર્દોષ લોકોને માર મારવામાં આવે છે કે પછી તેના ધંધા રોજગારમાં પણ અડચણ ઉભી કરી માથાભારે શખ્સો પોતાનો રોફ જાળવવા નિર્દોષ લોકો ઉપર અમાનુષી ત્રાસ ગુજારી તેઓને ટાર્ગેટ કરતા હોય છે. આવા બેફામ બનેલા આવરાતત્ત્વો દ્વારા આચરવામાં આવતા કૃત્યોમાં ક્યાંકને ક્યાંક પોલીસતંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થતા હોય છે, ત્યારે મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર વધુ એક નિર્દોષ વ્યક્તિને ‘તું કેમ પોલીસમાં મારી બાતમી આપે છે કહી કહેવાતા માથાભારે શખ્સો દ્વારા જાહેરમાં બીભત્સ ગાળો આપી પ્રૌઢને ઢોરમાર મારવામાં આવ્યો છે. ત્યારે ભોગ બનનાર પ્રૌઢ દ્વારા બંને લિસ્ટેડ માથાભારે શખ્સો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી રવાપર ધુનડા રોડ ઉપર આવેલ ઓમકાર હાઈટ્સમાં રહેતા નિપુલભાઈ પ્રવિણભાઈ ઓઝા ઉવ.૫૨ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રઘો મેરજા રહે.રવાપર રેસીડેન્શી રવાપરઘુનડા રોડ મોરબી તથા આરોપી નવીનભાઈ રહે.મોરબી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારે ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે ગઈકાલ તા.૧૭/૦૪ ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ નિપુલભાઈ પોતાના ઘરથી આગળ આવેલ ચાની દુકાને પોતાના મિત્ર સાથે ચા પીતા હોય ત્યારે લિસ્ટેડ આરોપી રઘો મેરજા અને તેની સાથેનો આરોપી નવીનભાઈ ફોરવ્હીલ ગાડીમાં ત્યાં આવ્યા હતા અને આરોપી રઘો મેરજા નિપુલભાઈને કહેવા લાગ્યો કે ‘તું પોલીસમાં મારી બાતમી કેમ આપે છે’… તેમ કહી બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો જેથી નિપુલભાઈએ આરોપીને કહ્યું કે કઈ બાબતની વાત કરે છે અને ગાળો આપવાની ના પડતા આરોપી રઘો મેરજા એકદમ ઉશ્કેરાઈ નિપુલભાઈનો કોલર પકડી ઢીકાપાટુનો બેફામ માર મારવા લાગ્યો અને ત્યારબાદ આરોપી નવીનભાઈ પણ નિપુલભાઈને લાતો-ઢીકાથી બેફામ માર મારવા લાગતા નિપુલભાઈ દ્વારા બુમાબુમ કરતા આજુબાજુ પસાર થતા લોકો તથા તેના મિત્રએ વચ્ચે પડી નિપુલભાઈને વધુ મારમાંથી બચાવેલ ત્યારે આરોપીઓ ત્યાંથી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. તુરે ભોગ બનનારની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬, ૧૧૪ હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.