મોરબીમાં માર્ગ અકસ્માત તેમજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવાની છાસવારે બનતી ઘટનાઓમાં વધુ એક અકસ્માતના બનેલ બનાવમાં અજાણ્યા ટ્રક ચાલકે રાહદારી ઉત્તરપ્રદેશના વતની હાલ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા યુવકને રાત્રી દરમિયાન હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકે બે દિવસની ટૂંકી સારવારમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. હાલ પોલીસે લાશનું પીએમ કરાવી તેમજ મૃતક યુવકના યુપી સ્થિત રહેતા તેના પિતા પાસે તથા ગ્રામપંચાયતના સરપંચ પાસે લેટરપેડ ઉપર સહી કરાવી મંજૂરી મેળવી રાજકોટ ખાતે મૃતકની અંતિમ વિધિ કરાવી હતી. જયારે અકસ્માત સર્જી અજાણ્યો ટ્રકનો ચાલક પોતાનો ટ્રક લઇ અકસ્માત સ્થળેથી નાસી જનાર અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
હિટ એન્ડ રનની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડથી ફેમ સીરામીક જવાના સીસી રોડ ઉપર ગત તા.૨૩/૦૪ ની રાત્રીના સમયે ચાલીને જતા અમનકુમાર ચંદ્રભાન નામના સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા યુવકને અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા અમનકુમારને ગુપ્તભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે અજાણ્યો ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી પોતાના હવાલાવાળો ટ્રક લઈને નાસી ગયો હતો. ત્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અમનકુમારને ૧૦૮ મારફત પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન ગત તા. ૨૫/૦૪ ની મોડીરાત્રીએ અમનકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક અમનકુમારના ઉત્તરપ્રદેશ સ્થિત સુરવાલ પોસ્ટ પાલી ગામના જ વતની અને લખધીરપુર રોડ ઉપર આવેલ સાવીયો સીરામીક કારખાનામાં કામ કરતા ઉપેન્દ્રભાઇ સુરેશભાઇ બાસકોર ઉવ-૨૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી એવા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધિરાણસરની કાર્યવાહી હાથ ધરી છે.