અમુક હિતશત્રુઓ દ્વારા ક્ષત્રિય સમાજના આંદોલનના નામે શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ કરવાની આશંકાએ તમામ ક્ષત્રિય સમાજના સભ્યોને તકેદારી રાખવા અપીલ
મોરબી સહીત સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ચાલતા આંદોલનમાં અમુક અનિષ્ટ તત્વો દ્વારા ક્ષત્રિય સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરી સમાજમાં શાંતિ ડહોળવાના પ્રયાસો કરી હિતશત્રુઓ દ્વારા સમગ્ર આંદોલનને ગેરમાર્ગે લઇ જવાની આશંકા સાથે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય સમાજના તમામ સભ્યોને લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન શાંતિથી તેમજ શિસ્તબંધ રીતે રહેવા તેમજ કાયદો હાથમાં ન લેવા મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ભારપૂર્વક નમ્ર અપીલ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા એક પ્રેસ યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે મોરબી જીલ્લામાં વસતા તમામ ક્ષત્રિય પરિવારના ભાઈઓ, બહેનો, યુવાનો અને આગેવાનો તમામને નિવેદન કરવામાં આવે છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ ‘ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન’ ને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા સમાજમાં શાંતિ ડહોળાઈ તેવા પ્રયાસો કરી અસ્મિતા આંદોલનને અલગ રસ્તે લઇ જવાની આશંકા છે.
આગામી લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાની ભીતિ સેવાય રહી છે. જેથી આવું કઈ ન બને અને રાજપુત સમાજના આ અસ્મિતા આંદોલનના નામે ન ચડે તે માટે તા.૦૭ એપ્રિલ ૨૦૨૪ ના લોકસભા ચૂંટણીના મતદાનના દિવસને લક્ષ્યમાં રાખીને સાબિતી જાળવી શિસ્તબંધ રહેવાનું છે.
વધુમાં જણાવાયું છે કે રાજપૂત સમાજના કોઈપણ સભ્ય એ કાયદો હાથમાં ન લેવો તેમજ આચારસંહિતાનો ભંગ ન થાય તેવી રીતે લોકશાહીના આ પર્વની ઉજવણી કરવામાં અગ્રેસર રહેવું, અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તેવી સર્વેએ કાળજી રાખવાની એવી રાજપૂત સમાજના ભાઈઓ, બહેનો અને વડીલોને મોરબી જીલ્લા રાજપૂત સમાજ વતી ભારપૂર્વક નમ્ર અપીલ કરવામાં આવી છે.