હળવદમાં જુથ્થ અથડામણની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હળવદના ભલગામડા ગામે સેઢે ઢોર ચારવા બાબતે થયેલ માથાકુટમાં બે કૌટુંબિક ભાઈઓ પર હુમલો થયો હતો. જે મામલો હવે જૂથ અથડામણમાં પરિણમ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદના ભલગામડા ગામે સેઢે ઢોર ચારવા બાબતે માથાકુટ થઇ હતી. જેમાં ભરવાડ સમાજના જૂથ દ્વારા રાજપૂત સમાજના બે કૌટુંબિક ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ મામલે જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ કરી દીધું છે. જે અથડામણમાં પ્રવીણભાઈ બનેસંગ ભાટિયા, ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટિયા, હંસાબેન ભાટિયા અને કોમલબેન ભાટિયા ઈજાગ્રસ્ત થયા હતા.જેમાંથી પ્રવીણભાઈ અને ગણપતભાઈ નામના બંને ઈજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા છે. જયારે બનાવની જાણ થતા જ હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. અને આગળની તપાસ હાથ ધરી છે. તેમજ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.