મોરબીના જશમત ગામ નજીક રોડ ઉપર ડબલ સવારીમાં બાઈકમાં જતા બે પરપ્રાંતીય યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં રોડ ઉપર બાઈક કોઈ કારણોસર સ્લીપ થઇ જતાં બંને યુવક રોડ ઉપર પટકાયા હતા ત્યારે પાછળથી પૂરપાટ ગતિએ આવતો ટ્રક બાઈક ચાલક યુવક ઉપર ફરી વળ્યો હતો જેથી તેને માથાના ભાગે તથા પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૂળ ઝારખંડ રાજ્યના થૈઈ ગામના વતની હાલ રંગપર ગામે આવેલ લોરીશન સિરમિકમાં રહેતા વિશ્ર્વકર્માભાઇ બૈજનાથભાઇ બેહરા ઉવ.૩૪ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી નં. જીજે ૧૨ એટી ૫૪૦૦ ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૯ જૂનના રોજ ફરીયાદી વિશ્ર્વકર્માભાઈ તથા મરણ જનાર ગજેન્દ્રભાઇ નંદલાલ બંસ્કાર ઉવ.૩૦ વાળાનુ હોન્ડા કંપનીના સાઇન મો.સા. રજી નં. એમપી-૩૭-ઝેડસી-૦૯૪૭ વાળુ લઇને લોરીશન કારખાનેથી રૂમ જોવા માટે સાકેત સીરામીક કારખાને જતા હતા દરમ્યાન પાવડીયારી કેનાલ પાસે સનવીસ સીરામીક કારખાના પાસે પહોચતા મોટર સાયકલ રોડ ઉપર સ્લીપ થતા પાછળથી પુરઝડપે અને ગફલત ભરી રીતે ટ્રક રજી નં જીજે ૧૨ એટી ૫૪૦૦ ના ચાલકે પોતાનો ટ્રક ચલાવી આવી ગજેન્દ્રભાઇના છાતીના ભાગે ટ્રકનુ વ્હીલ ફેરવી દેતા ગજેન્દ્રભાઇને માથામા તથા છાતીના ભાગે ગંભીર પહોંચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાની ટ્રક લઇને સ્થળ ઉપરથી ચાલ્યો ગયો હતો. હાલ પોલીસે આરોપી ટ્રકના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.