મોરબીમાં પ્રેમિકાનો પીછો કરતા એક શખ્સને પ્રેમી દ્વારા પીછો ન કરવાનું સમજાવતા સામાન્ય બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખી પીછો કરનાર શખ્સ તથા તેની સાથેના એક શખ્સ સહિત બે જન બાઇકમાં આવી મોરબીના સિપાઈવાસ ખોજા ચપ્પલની દુકાન પાસે મિત્ર સાથે બેઠેલ યુવકને ઢીકાપાટુનો માર મારી પેટમાં છરીનો ઉંડો ઘા મારી બંને બાઈક સવાર આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા. ત્યારે યુવકને લોહી નીકળતી હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ બનાવ બાબતે ગંભીર ઈજાગ્રસ્ત યુવક દ્વારા બંને શખ્સો સામે હોસ્પિટલમાં સર્જીકલ વોર્ડના બિછાનેથી પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીની કબીર ટેકરી શેરી નં.૨ માં રહેતા રેહાનભાઈ આરીફભાઈ અજમેરી ઉવ.૧૮ એ આરોપી મહેમુદ અબ્દુલભાઇ ઘાંચી રહે.મોરબી મકરાણીવાસ તથા ધવલ રાવલ રહે.મોરબી ભવાની ચોક વિરૂદ્ધ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે રેહાનભાઈને મકરાણીવાસ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે લગ્ન કરવાના હોય ત્યારે આરોપી મહેમુદ આ યુવતીનો પીછો કરતો હોય જેથી આ બાબતે યુવતી દ્વારા તેના પ્રેમી રેહાનને આ બાબતે જાણ કરતા રેહાને બે-ત્રણ દિવસ અગાઉ મહેમુંદને પોતાની પ્રેમિકાનો પીછો કરવાની ના પાડતા બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ બાદ બન્ને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારે ગઇકાલ તા.૨૭ જૂન ૨૦૨૪ ના રોજ રેહાન અને તેનો મિત્ર અનીશ મોરબીના સિપાઇવાસ ખોજા ચંપલ વાળાની દુકાન પાસે રાત્રીના નવેક વાગે બેઠા હતા ત્યારે આરોપી મહેમુદ તથા ધવલ રાવલ એમ બન્ને એક બાઈકમાં બેસીને આવી અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપી મહેમુદ કહેવા લાગેલ કે ‘તે દિવસે તુ બહુ પાવર કરતો હતો’ તેમ કહી અપશબ્દો બોલવા લાગતા રેહાનભાઈએ ગાળો આપવાની ના પાડતા બંને આરોપી એકદમ ઉશ્કેરાઈ જઇ રેહાનભાઈને ઢીકા-પાટુનો મુંઢ માર મારવા લાગેલ અને ત્યારબાદ મહેમુદ સાથે આવેલ ધવલ રાવલે તેના પાસેથી છરી કાઢી પેટના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો તે દરમિયાન દેકારો થતા આજુબાજુ લોકો એકઠા થઇ જતા બંને આરોપીઓ બાઈક લઈને નાસી ગયા હતા. ત્યારે રેહાનભાઈના મિત્ર દ્વારા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, હાલ રેહાન ભાઈ દ્વારા બંને આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી બંને શખ્સોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.