વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક ક્રેટા કારમાં નીકળેલ ડેરીના ધંધાર્થી યુવક ઉપર અજાણ્યા ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી યુવકના હાથપગમાં ફ્રેકચર જેવી ઇજાઓ કરી ક્રેટા કારના કાચ તોડી નુકસાની કરી હતી. બનાવ અંગે ભોગ બનનાર યુવક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા વિશાલભાઇ ઉર્ફે મુનાભાઇ માણસુરભાઇ લોહ ઉવ.૩૮ ગત તા.૨૮/૦૭ના રાત્રીના પોતાના જાલીડા ગામ પોતાની ક્રેટા કાર રજી.નં.જીજે-૦૩-એનએફ-૦૦૭૯માં જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના દસ વાગ્યાના અરસામાં જાલીડા ગામ પહેલા રામદેવપીરના મંદીર પાસે રોડ ઉપર અજાણ્યા ચાર ઈસમોએ વિશાલભાઈની ક્રેટા ગાડી રોકાવી લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી હાથ અને પગમાં ફ્રેકચર તથા શરીરે મૂંઢ ઇજાઓ કરી વિશાલભાઈની ક્રેટા કારના કાચ તોડી તેમાં પણ નુકસાની કરી ચારેય અજાણ્યા ઈસમો નાસી ગયા હતા. બનાવ અંગે વિશાલભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.