મોરબી:ખેતરમાં ઉભા પાકને રોઝ અને જંગલી ભૂંડ દ્વારા નુકસાન પહોંચાડવા સામે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તાર ફેન્સીંગ યોજના હેઠળ નાણાકીય સહાય ચુકવવામાં આવતી હોય છે જે અંતર્ગત વર્તમાન વર્ષ દરમિયાન આ યોજના થકી મોરબી જીલ્લામાં ખેડૂતોને ૨.૪૬ કરોડની નાણાકીય સહાય ચૂકવી આપવામાં આવી છે.
મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાની એક યાદીમાં જણાવ્યા અનુસાર રાજયના ખેડુતોને પાક રક્ષણ હેતુ પોતાના ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સરકાર તરફથી નાણાંકીય સહાય આપવાની યોજના અંતર્ગત ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં અતિ મદદરૂપ થાય છે. ત્યારે કૃષિ વિભાગની યોજના હેઠળ મોરબી જીલ્લામાં વર્તમાન વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત અત્યાર સુધીમાં ૧૩૬ લાભાર્થીને ૨.૪૬ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.