૭૧ વર્ષીય વૃદ્ધને છેતરી બે તોલાની માળા લઈ જનાર આરોપીને ખીજડીયા ચોકડીથી પકડી લેવાયો
ટંકારા તાલુકાના વિરપર નજીક ૭૧ વર્ષીય વૃદ્ધને સોના મઢેલ રુદ્રાક્ષની માળા કાળી પડી ગયેલ છે, અને કાળી પડેલ રુદ્રાક્ષની માળા ન પહેરાઈ તેમ જણાવી માળા સાફ કરવાના બહાને વૃદ્ધનો વિશ્વાસ કેળવી માળા લઈને છુમંતર થઈ જનાર ગઠિયાને ટંકારા પોલીસે બાતમીને આધારે ખીજડીયા ચોકડી નજીકથી પકડી લઈ તેના પાસેથી આશરે ૮૦ હજાર કિંમતની સોનાની માળા કબ્જે કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના આલાપ રોડ ઉપર વાડી વિસ્તારમાં રહેતા ૭૧ વર્ષીય વ્રજલાલભાઈ નકુમ ગઈ તા. ૨૨/૦૯ના રોજ ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ ખેતરે એકટીવા મોપેડમાં જતા હોય તે દરમિયાન વિરપર ગામ નજીક વ્રજલાલભાઈને ઉભા રાખી એક સાધુ જેવા લાગતા ગઠિયાએ કહ્યું કે સોના મઢેલ રુદ્રાક્ષની માળા કાળી પડી ગયી છે અમે માળા સાફ કરવાની કામગીરી કરીયે છીએ તેમ વિશ્વાસ કેળવી વૃદ્ધ પાસેથી બે તોલાની માળા પાંચ દિવસમાં સાફ કરીને પરત આપવાનુ કહી વૃદ્ધને છેતરી સોનાની માળા ગઠિયો લઈ ગયો હોય જે ૧૦ દિવસ થયા પરત ન આવતા વૃદ્ધ દ્વારા ગઈકાલ તા.૦૭/૧૦ ના રોજ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ત્યારે ઉપરોક્ત ફરિયાદને આધારે ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલને ખાનગીરાહે બાતમી મળેલ હતી કે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડી/ વિશ્વાસઘાતના કરી સોનાના બે તોલાની રૂદ્રાક્ષના પાળામાં મઢેલી માળા કી.રૂ.૮૦,૦૦૦/-ની સાફ કરી આપવાનું કહી લઇ ગયેલ હોય જે સોનાની માળા જાગાનાથ ભાલનાથ પરમાર વાદી પાસે છે, જે હાલ ટંકારા ખીજડીયા ચોકડી પાસે આવેલ છે. જેથી તુરંત બાતમી મુજબના સ્થળે તપાસ કરતા ઉપરોક્ત આરોપી જાગાનાથ વાદી મળી આવ્યો હતો, તેમજ તેણે તેના ગળામાં પહેરેલ રૂદ્રાક્ષના પાળા વાળી સોનાની માળા બાબતે પુછપરછ કરતા તેણે આ માળા વીરપર ગામ પાસે દ્રારકાધીશ હોટલથી આગળ રોડ ઉપરથી એક મોટી ઉમરના દાદાને સોનાની માળા સાફ કરી અપવાનુ કહી લઇ લીધેલની કબુલાત આપી હતી, જેથી આરોપી જાગાનાથ ભાલનાથ પરમાર ઉવ.૨૫ રહે.ભોજપરા વાદીપરા વાંકાનેરવાળાને ઝડપી લઈ તેની વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.