૨૩ સપ્ટેમ્બરથી ૧૭ વર્ષીય દીકરી લાપતા, પોલીસે અપહરણની આશંકા સહિતની તપાસ હાથ ધરી.
મોરબીના નવલખી રોડ પર વાડી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા બજારમાં ખરીદી કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતાં તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, ગત ૨૩ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા નવ વાગ્યે શ્રમિક પરિવારની ૧૭ વર્ષીય દીકરી ઘરેથી મોરબી બજારમાં ખરીદી કરવા જવાનું કહી નીકળી હતી. જોકે, બપોર સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. સગાસંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવા છતાં તેનો પત્તો ન લાગતાં આખરે ભોગ બનનારના પિતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, તેમની દીકરી ઘરેથી નીકળી ક્યાંક જતી રહી હોવાની, ગુમ થઈ હોવાની અથવા કોઈ અજાણી વ્યક્તિ દ્વારા અપહરણ કરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






