૬ મહિલા સહિત ૧૩ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ નોંધાયો ગુનો
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં સોસાયટીમાં સ્વ-ખર્ચે નાખેલ પાણીની લાઈનમાં ખોદકામ કરી ભંગાણ કરવાના આક્ષેપો સાથે સોસાયટીમાં રહેતા પાડોશી પરિવારો સામસામે ગાળા-ગાળી બોલાચાલી કરી મારામારી ઉપર ઉતરી આવ્યા હતા, જેમાં ચાર મહિલા સહિત આઠ વ્યક્તિઓને ઇજા થયાનું સામે આવ્યું છે, સમગ્ર બનાવ મામલે હોસ્પિટલ સારવાર લઈ રહેલા પાડોશી પરિવાર દ્વારા પોલીસ સમક્ષ સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ૬ મહિલા સહિત કુલ ૧૩ આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ સ્થિત સાત હનુમાન સોસાયટીમાં રહેતા પાંચાભાઈ લક્ષ્મણભાઇ આદ્રોજા ઉવ.૩૨એ આરોપી તરીકે સુનિલ ચાવડા, સંજય ચાવડા, પ્રેમીલાબેન ચાવડા તથા શિલ્પાબેન ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત સાત હનુમાન સોસાયટીમાં રહેતા અમુક પરિવારો દ્વારા સ્વ-ખર્ચે નાખેલ પાણીની લાઇનમાં આરોપી સુનિલભાઈ ખોદતા હોય જેથી ફરિયાદી સહિતના પડોશીઓએ એ લાઇન નાખવામાં થયેલ ખર્ચમા ભાગ આપવા અન્યથા લાઇન ન ખોદવા કહેતા તમામ આરોપીઓએ ફરિયાદી પાંચાભાઈ તથા તેમના પરિવારને ગાળો આપી પાંચાભાઈને કપાળના ભાગે ઉંધો પાવડો મારી તથા તેમના ભાઈ દીપકને માથામાં ઉંધા પાવડાનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાદ મહિલા અરોપીઓએ પણ પાંચાભાઈની પત્ની તથા તેમના ભાઈની પત્ની સાથે ઝપાઝપી કરી એકબીજાની મદદગારી કરી હોય જેમાં પાંચાભાઇને અબે તેમના ભાઈને માથામાં તથા શરીરે ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ થયેલ હોય જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે વળતી ફરિયાદમાં લીલાપર રોડ સાત હનુમાન સોસાયટીમાં રહેતા સુનિલભાઈ ડુંગરભાઈ ચાવડા ઉવ.૨૪ એ સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી પાંચાભાઇ ઉર્ફે બાઠીયો લક્ષમણભાઇ આદ્રોજા, ક્રીષ્નાબેન પાંચાભાઇ આદ્રોજા, દીપક ઉર્ફે પેથીયો લક્ષમણભાઈ આદ્રોજા, ભાનુબેન દીપક આદ્રોજા, સુનીલ દીપક ઉર્ફે પેથીયો આદ્રોજા, પ્રવીણ ઉર્ફે કાળભેરવ, આરતીબેન પ્રવીણ ઉર્ફે કાળભેરવ, હસમુખભાઈ તથા હીરાબેન હસમુખભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું ફરિયાદી સુનિલભાઈ ચાવડા પોતાના ઘર પાસે પાણીની લાઇન ખોદતા હોય ત્યારે ઉપરોક્ત આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી એક સંપ કરી આવી સુનિલભાઈ તથા તેમના પરિવારના સભ્યોને પાણીની લાઇન નહીં ખોદવાનું કહી ગાળો આપી પથ્થરના છુટા ઘા મારવા લાગ્યા હતા, તેમજ સુનિલભાઈને પાવડાનો એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા તેમના ભાઈ સંજયભાઈનો સંજયભાઈને લાકડાનો ધોકો મારી લીધો હતો, તરમાજ તેમના માતા અને બહેનને મહિલા આરોપીઓ દ્વારા વાળ પકડી ઢીકાપાટુનો માર મારી લાકડાનો ધોકો મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષે નોંધાવેલી ફરિયાદના આધારે બંને પક્ષોના ૬ મહિલા સહિત ૧૩ આરોપીઓ સામે એટ્રોસિટી, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની તપાસની તજવીજ હાથ ધરી છે.